fbpx

વીડિયો કોલિંગ માટે ઉપલબ્ધ વિવિધ એપ્સ અને તેનાં બારીક પાસાં

કોરોના વાઇરસના કારણે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ – બંનેને પગલે ભારતમાં અને અન્ય દેશોમાં લોકો બિઝનેસને ધમધમતો રાખવા અને નિકટનો સ્વજનો સાથે જીવંત સંપર્ક રાખવા વીડિયો કોન્ફરન્સિંગ તરફ વળી રહ્યા છે. આ નવા ટ્રેન્ડ વિશે તથા તમને ઉપયોગી થઈ શકે તેવી વિવિધ એપ્સ વિશે જાણો. 

વીડિયો કોલિંગનો નવો જુવાળ

ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ કઈ છે, જાણો છો? આમ તો આપણા દેશમાં ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી એપની બોલબાલા છે, પણ કોરોના વાઇરસે આખા દેશમાં લોકડાઉન સર્જ્યા પછી, લોકો ‘ઝૂમ ક્લાઉડ મીટિંગ્સ’ નામની એક એપ તરફ વળ્યા છે. આ એપ વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા આપે છે. આ એપનો પ્લે સ્ટોર પર ડાઉનલોડ આંકડો પાંચ કરોડને ઓળંગી ગયો છે!

આમ જુઓ તો વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા તો ઘણી એપ્સ આપે છે, જેમાંની ઘણી તો પહેલેથી આપણા ફોનમાં બિરાજમાન છે, એટલે ઝૂમ જેવી વધારાની વીડિયો કોન્ફરન્સિંગ એપ આટલા મોટા પ્રમાણમાં ડાઉનલોડ થવાનું કોઈ ખાસ કારણ?

કારણ એ કે આ એપ જેટલી મોટી સંખ્યામાં લોકોને એક સાથે ગ્રૂપ વીડિયો કોલિંગ કરવાની સગવડ આપે છે – એ પણ મફતમાં – એટલી બીજી કોઈ એપ આપતી નથી. ઝૂમ એપમાં ફ્રી એકાઉન્ટમાં પણ એક સાથે ૧૦૦ લોકો વીડિયો કોન્ફરન્સ કરી શકે છે. એટલે ખાસ કરીને સ્કૂલ્સ અને મોટા બિઝનેસીસને ઝૂમમાં ખાસ રસ પડ્યો છે. હવે સંખ્યાબંધ સ્કૂલ્સે ઝૂમ એપની મદદથી, સ્ટુડન્ટ્સ સાથે વીડિયો ક્લાસ શરૂ કરી દીધા છે.

ઝૂમ મોટી સંખ્યામાં ગ્રૂપ કોલિંગની સગવડ આપે છે, તેમાં સ્કૂલ કે બિઝનેસને ઉપયોગી થાય એવાં સંખ્યાબંધ ફીચર્સ છે એની ના નહીં, પણ સિક્યોરિટીની બાબતે આ એપ સામે અત્યારે આખી દુનિયામાં ગંભીર સવાલો ઊઠી રહ્યા છે.

ઝૂમ એપ તેના સરળ ઇન્ટરફેસ અને એક સાથે ૧૦૦ વ્યક્તિઓ સુધી ફ્રી ગ્રૂપ કોલિંગની સુવિધાને કારણે રાતોરાત ગજબની લોકપ્રિય થઈ છે, પણ સમગ્ર વિશ્વમાં તેમાં સલામતી સંબંધિત વિવિધ પ્રશ્નો બહાર આવી રહ્યા છે. ખાસ કરીને ‘ઝૂમબોમ્બિંગ’ તરીકે ઓળખાતા ટ્રેન્ડમાં હેકર્સ ઝૂમ પર અન્ય લોકોની ચાલુ મીટિંગ્સમાં ઘૂસીને તેમને કંઈ પણ બતાવી શકે છે. ઝૂમ પર પ્રાઇવેટ મીટિંગ હોસ્ટ કરી, મર્યાદિત, વિશ્વાસપાત્ર લોકોને જ તેની લિંક, આઇડી અને પાસવર્ડ શેર કરવા હિતાવહ છે.

જોકે ઝૂમની સાથોસાથ અન્ય વીડિયો કોન્ફરન્સિંગ એપ્સનો ઉપયોગ પણ જબરજસ્ત વધી રહ્યો છે. માર્ચ ૧૪થી ૨૧ના એક જ અઠવાડિયામાં બિઝનેસ કોન્ફરન્સિંગ એપ્સના ડાઉનલોડની સંખ્યા આખા વિશ્વમાં ૬.૨ કરોડને આંબી ગઈ – યાદ રહે, આ એક જ અઠવાડિયાના આંકડા છે! તેના આગલા અઠવાડિયા કરતાં આ આંક ૪૫ ટકા વધુ હતો અને ૨૦૧૯ની સરેરાશ સાપ્તાહિક ડાઉનલોડ સંખ્યા કરતાં ૯૦ ટકા વધુ હતો.

ગ્રૂપ વીડિયોનો આ જુવાળ ટકશે?

વીડિયો કાૅલિંગનો આ જુવાળ ખરેખર કેટલું ટકશે એ જોવું રસપ્રદ રહેશે. અત્યારે તો સ્કૂલ્સ, ટ્યૂશન ક્લાસિસ અને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ ઉપરાંત નવું સવું વર્ક-ફ્રોમ-હોમ કરી રહેલા લોકો પોતાના કામકાજ માટે આવી એપ્સ તરફ વળી રહ્યા છે અને એ સિવાય, ઘરમાં પુરાઈ ગયેલા લોકો બે-ઘડી ટાઇમ પાસ કરવા માટે વીડિયો ગ્રૂપ કૉલિંગ પર હાથ અજમાવી રહ્યા છે.

ઘણી ખરી એપ્સમાં આ પ્રકારે ગ્રૂપ કૉલિંગની પ્રોસેસ ખાસ્સી સહેલી હોવા છતાં, વડીલો તેમાં ગોથાં ખાઈ રહ્યા છે અને યંગ જનરેશન તેમને ગ્રૂપ કૉલિંગ શીખવવા મથીને પોતાને ટાઇમ પાસ કરે છે.

આવું ગ્રૂપ કૉલિંગ ઘણું કરીને મોબાઇલના નાના સ્ક્રીન પર થાય છે એટલે તેમાં ૧૦-૧૨ લોકોની ભીડ થતાં વાત ખરા અર્થમાં મુશ્કેલ બને છે! ગ્રૂપ વીડિયો કૉલિંગનો લગભગ કોઈને અનુભવ ન હોવાથી સૌ સાથે મળી ગોકીરો મચાવે એટલે ખરેખરી વાત સંભવ થતી નથી. એમાં વળી, ઇન્ટરનેટનાં નબળાં સિગ્નલને કારણે વારેવારે વીડિયો ફ્રીઝ થાય, ફોનને સ્થિર રાખવાની ટેવ નહીં, ફોનનો યોગ્ય એંગલ કે પોતે યોગ્ય લાઇટિંગમાં ઊભા રહેવાની ટેવ નહીં વગેરે કારણે અત્યારે તો ગ્રૂપ વીડિયો કૉલિંગ માત્ર મસ્તી-મજાકનું સાધન છે.

બિઝનેસ માટે ગ્રૂપ વીડિયો વરદાન

બિઝનેસમાં વીડિયો મીટિંગનો ટ્રેન્ડ હવે જામી જાય એવી પૂરી શક્યતા છે. ખાસ કરીને દુનિયાભરમાં પથરાયેલી ટીમ્સ ઘણા સમયથી વીડિયો મીટિંગ તરફ વળી ગઈ હતી, હવે વર્ક-ફ્રોમ-હોમનો ટ્રેન્ડ પણ વધશે તો તેમાં વીડિયો કૉલિંગ ખાસ્સું ઉપયોગી થશે એ નક્કી છે.

જો તમારું ફોકસ ખરેખર સીરિયસ બિઝનેસ વીડિયો મીટિંગ્સ હોય અને ભાગ લેનારા લોકોની સંખ્યા ઝાઝી ન હોય તો તમારે માટે સ્કાઇપ, ગૂગલ હેંગઆઉટ કે ડ્યુઓ જેવા વિકલ્પો પણ છે. એ સિવાય ફેસટાઇમ, સ્લેક, માઇક્રોસોફ્ટ ટીમ્સ જેવા વિકલ્પો પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગૂગલ હેંગઆઉટ કે માઇક્રોસોફ્ટ ટીમ્સના પેઇડ વર્ઝનમાં એક સાથે ૨૫૦ મેમ્બર્સ વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ થઈ શકે છે અને ટીમ્સના કિસ્સામાં એપ માઇક્રોસોફ્ટની હોવાથી ચાલુ મીટિંગે ઓફિસ ડોક્યુમેન્ટ્સની ફટાફટ આપલે પણ થઈ શકે છે!

જો તમારે ફક્ત બે-ચાર વ્યક્તિ વચ્ચે જ, પ્રમાણમાં ઇન્ફોર્મલ મીટિંગ કરવી હોય તો વોટ્સેપ પણ હાથવગી છે જ! તેમ, હમણાં ફેસબુકે તેની મેસેન્જર સર્વિસ માટે ડેસ્કટોપ એપ પણ લોન્ચ કરી છે, જેને માઇક્રોસોફ્ટના સ્ટોર અને મેક એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તેના મોબાઇલ અને વેબ વર્ઝનની જેમ, આ એપમાં પણ મિત્રો સાથે વીડિયો કોલિંગની સુવિધા છે.

વીડિયો સોશિયલ સાઇટ્સ

એ પણ નોંધવા જેવું છે કે પર્સનલ ગ્રૂપ વીડિયો કાૅલિંગ અને બિઝનેસ કોન્ફરન્સિંગ એપ્સ ઉપરાંત, માત્ર વીડિયો આધારિત સોશિયલ મીડિયા સાઇટ્સનો ઉપયોગ પણ જબરો વધી રહ્યો છે. યુટ્યૂબ પણ એક પ્રકારે વીડિયો આધારિત સોશિયલ મીડિયા છે, અન્ય સોશિયલ સાઇટ્સ પર પણ વીડિયોનો ઉપયોગ કરી જ શકાય છે, પણ આ વાત અલગ પ્રકારની વીડિયો સોશિયલ સાઇટની છે.

આવી એપ બિઝનેસ કોન્ફરન્સિંગને બદલે સોશિયલ ગપસપ પર વધારે ફોકસ્ડ છે. તમે આવી એપ ફોનમાં ઇન્સ્ટોલ કરી લોન્ચ કરો, તમારા કોન્ટેક્ટ્સની એક્સેસ આપો એટલે વોટ્સએપ જેવી એપની જેમ, તમારા કયા કયા કોન્ટેક્ટ્સ આ એપનો ઉપયોગ કરી રહ્યા છે તે જાણવા મળે. એપ પર લાઇવ પાર્ટીઝ પણ ચાલતી હોય એટલે કે કોઈ પણ ગ્રૂપ વીડિયો કૉલમાં તમે જોડાઈ શકો. એપમાં જ, એકબીજાથી દૂર બેઠાં બેઠાં, છતાં સાથે મળી શકાય એવી ગેમ્સ પણ ઉમેરાઈ રહી છે.

લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના સમયમાં લોકોને આથી વધુ શું જોઈએ?

‘હાઉસપાર્ટી’ નામની આવી એક એપ ખાસ કરીને યુરોપમાં જબરી લોકપ્રિય થઈ છે. કોરોના વાઇરસના હાહાકાર પહેલાં ખાસ જાણીતી નહોતી એવી આ એપનું ડાઉનલોડિંગ ઇટાલીમાં એક જ અઠવાડિયામાં ૪૨૩ ગણું વધી ગયું!


વાતનો સારાંશ

  • વીડિયો કોલિંગ માટે હવે સંખ્યાબંધ વિકલ્પો ઉપલબ્ધ છે.

  • બિઝનેસ માટે વીડિયો કોન્ફરન્સિંગની સગવડ આપતી એપ્સમાં સ્ક્રીન શેરિંગ, હોસ્ટને વિવિધ કંટ્રોલ, વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ, ફાઇલ્સ શેરિંગ, વગેરે વિવિધ સુવિધા મળે છે.

  • માત્ર સ્વજનો સાથે મજા માટે વીડિયો કોલિંગ કરવું હોય તો કેટલીક એપ્સનો ઉપયોગ ઘણો સરળ છે, પણ મોટા ભાગની એપમાં સંંખ્યાની દૃષ્ટિએ મર્યાદાઓ છે.

  • બિઝનેસ યૂઝ માટે વીડિયો કોલિંગ હવે વધુ લોકપ્રિયા થવાની પૂરી શક્યતા છે.

જુદી જુદી વીડિયો કોલિંગ એપ્સ


ગૂગલ ડ્યુઓઃ પારિવારિક ઉપયોગ માટે સરળ

મિત્રો કે પરિવારજનો સાથે મફત અને સરળ ગ્રૂપ વીડિયો કોલિંગ કરવું હોય તો ગૂગલ ડ્યુઓ તમારા માટે પૂરતી થઈ રહે તેવી સર્વિસ છે.

આ એપનો ઉપયોગ કરવા માટે તમારી પાસે ગૂગલનું એકાઉન્ટ હોવું જરૂરી છે, જે એન્ડ્રોઇડનો ઉપયોગ કરતા લોકો પાસે હોય જ.

તમારા ફોનમાં આ એપ ન હોય તો તે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને ઓપન કરો એટલે તમારા કોન્ટેક્ટ્સમાંના જેટલા લોકો ડ્યુઓનો ઉપયોગ કરતા હોય તેમનાં નામ જોવા મળે. એમાં જેમનાં નામ જોવા ન મળે એ લોકો જો તમારા કોન્ટેક્ટ્સમાં હોય તો તેમને તમે ડ્યુઓનો ઉપયોગ કરવા માટે ઇન્વાઇટ કરી શકો.

પછી તમે પોતે ડ્યુઓ એપમાં ‘ક્રિએટ ગ્રૂપ’ પર ક્લિક કરી, જે લોકોને તે ગ્રૂપમાં ઉમેરવા માગતા હો તેમનાં નામ સિલેક્ટ કરીને ગ્રૂપ બનાવી લો. આ દરમિયાન, જે લોકોને તમે ડ્યુઓ માટે ઇન્વાઇટ કર્યા હોય તે લોકો તમારી લિંક ઓપન કરી મોબાઇલ નંબરથી ડ્યુઓમાં એક્ટિવ થઈ શકે.

હવે તમે ક્રિએટ કરેલા ગ્રૂપ પર ક્લિક કરી, તેની મીટિંગ શરૂ કરો કરો એટલે ગ્રૂપમાં તમે સામેલ કરેલા લોકોને રિંગ જાય અને તેઓ પણ ગ્રૂપ વીડિયો કોલિંગમાં જોડાઈ શકે.

ડ્યુઓમાં અત્યારે એક સાથે ૧૨ લોકો ગ્રૂપ વીડિયોમાં જોડાઈ શકે છે.

ડ્યુઓનો વેબ પર એટલે કે વીસી કે લેપટોપમાં પણ ઉપયોગ કરી શકાય છે. ડ્યુઓ ઇન્ફોર્મલ મીટિંગ માટે હોવાથી તેમાં તમે ઇચ્છો તો વિવિધ ઇફેક્ટ્સનો ઉપયોગ કરી શકો છો, એટલે ચાહો તો તમારો ચહેરો સ્પેસસૂટમાં દેખાય એવી ઇફેક્ટ આપી શકો!

ટેક્નોલોજીની મજા એ છે કે આવી ઇફેક્ટ તમારા ચહેરા પર હોય ત્યારે તમે ચહેરાને જે રીતે ફેરવો કે ભવાં ઊંચાંનીચાં કરો એ રીતે તેની ઇફેક્ટ પણ ફેરવાય!

પારિવારિક કોલિંગ માટે સિમ્પલ અને મજાની એપ.


વોટ્સએપઃ હંમેશા હાથવગી, પણ મર્યાદિત

અત્યારે કોરોના વાઇરસે મચાવેલા ઉત્પાતને પગલે લોકો ઘરમાં પૂરાઈ ગયા હોવાથી બિઝનેસ માટે કે નિકટનાં સંખ્યાબંધ સ્વજનો સાથે એક સાથે વીડિયો કોલિંગની નવી મજા લેવા માટે, ૧૦-૧૨ કે તેથી વધુ લોકો સાથે એક સાથે ગ્રૂપ વીડિયો કોલિંગ કરી શકાય એવી એપ્સ શોધી રહ્યા છે, બાકી સામાન્ય સંજોગોમાં વોટ્સએપ જેવી સરળતા બીજી કોઈ એપમાં નથી.

આપણા સંપર્કમાંની લગભગ દરેક વ્યક્તિના ફોનમાં વોટ્સએપ હોય જ છે, એટલે બસ, તમે તમારા કોન્ટેક્ટ્સમાંની કોઈ પણ વ્યક્તિને વોટ્સએપમાં વીડિયો કોલ કરો અને પછી બીજી વ્યક્તિને પણ ઉમેરો એટલે સ્ક્રીન પર ચારેય વ્યક્તિની વાત શરૂ.

મર્યાદા ફક્ત એટલી કે તેમાં એક સાથે ફક્ત ચાર લોકો ગ્રૂપ વીડિયો મીટિંગમાં જોડાઈ શકે છે અને તેમાં સ્ક્રીન શેરિંગ કે વીડિયો દરમિયાન જ ફાઇલ શેરિંગ જેવી સુવિધાઓ નથી. તમે ઇચ્છો ત્યારે વીડિયો કોલમાંથી વોઇસ કોલમાં અને વોઇસમાંથી વીડિયો કોલમાં જઈ શકો. અગાઉ જે ગ્રૂપ સાથે વાત કરી હોય, તેને એક ક્લિકમાં ફરી વીડિયો કોલ કરી શકાય.

પારિવારિક વાતચીત હોય કે ક્લાયન્ટ્સ સાથે પ્રોજેક્ટની જરૂરિયાતો સમજવાની હોય, ખરેખર વ્યવસ્થિત રીતે વાતચીત કરવી હોય તો ચાર વ્યક્તિની મર્યાદા જ વોટ્સએપનું સારું પાસું પૂરવાર થાય છે!


ઝૂમઃ ખાસ્સાં ફીચર્સ, પણ એટલી જ વિવાદાસ્પદ

અત્યારે દુનિયાભરમાં વિવિધ બિઝનેસ અને સ્કૂલ્સમાં ‘ઝૂમ’ સૌથી લોકપ્રિય છે. તેમાં એક સાથે ૧૦૦ લોકો વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકાય છે.

જોકે, ત્રણ કે વધુ લોકો વધુમાં વધુ ૪૦ મિનિટ સુધી ફ્રી કોન્ફરન્સ ચલાવી શકે છે. આ મર્યાદા પૂરી થયા પછી તરત નવી ફ્રી કોન્ફરન્સ પણ શરૂ કરી શકાય.

ઝૂમ મીટિંગમાં ભાગ લેનારા લોકો પીસી/લેપટોપમાં કે તેની એન્ડ્રોઇડ, આઇફોન એપનો ઉપયોગ કરી શકે છે. ઝૂમમાં કોઈ એક વ્યક્તિ એકાઉન્ટ ક્રિએટ કરીને તેમાં વીડિયો મીટિંગ શરૂ કરે અને તેની લિંક બીજી વ્યક્તિનો મોકલે (ધારો કે વોટ્સએપ દ્વારા) તો તે બીજી વ્યક્તિને ઝૂમ એપ ડાઉનલોડ કરવાની લિંક પણ સાથે મળે. બીજી વ્યક્તિઓ એપ ડાઉનલોડ કરી, ‘જોઇન મીટિંગ’ પર ક્લિક કરી મીટિંગમાં જોડાઈ શકે.

સ્કૂલ્સ અને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મીટિંગને સંપૂર્ણ પ્રાઇવેટ રાખવા માટે, તેનો પાસવર્ડ સેટ કરીને પછી મીટિંગ લિંક, આઇડી અને પાસવર્ડ અન્ય લોકોને મોકલી શકે છે (વિવાદને પગલે હવે આ વ્યવસ્થા બધી મીટિંગ માટે મળશે).

ઝૂમ ક્લાઉડ મીટિંગ્સ એપ ખાસ તો બિઝનેસ પર ફોકસ્ડ છે એટલે તેમાં વીડિયો/ઓડિયો રેકોર્ડિંગ, સ્ક્રીન શેરિંગ, મીટિંગ હોસ્ટ કરતી વ્યક્તિ અન્ય મેમ્બર્સને મ્યૂટ/અનમ્યૂટ કરી શકે, વીડિયો બંધ કરીને માત્ર ઓડિયો શેરિંગ ચાલુ રાખી શકે વગેરે ફીચર્સ છે, જે અન્ય ઇન્ફોર્મલ ગ્રૂપ વીડિયો કોલિંગ એપ્સમાં સામાન્ય રીતે મળતાં નથી. તેના ફ્રી એકાઉન્ટમાં પણ વીડિયો કે ઓડિયોને તમારા ડિવાઇસમાં રેકોર્ડ કરી શકાય છે અને ઇચ્છો ત્યારે તમારા સ્ક્રીનને અન્યો સાથે શેર કરી શકો છો.

આમ છતાં, ઝૂમ એપમાં સલામતીની ગંભીર ખામીઓ બહાર આવી છે. એપ દાવો કરે છે તેમ તેમાં વીડિયો કોલિંગ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ પણ નથી. ‘ઝૂમબોમ્બિંગ’નો ટ્રેન્ડ ખતરનાક રીતે વધી રહ્યો છે એ પણ ધ્યાનમાં લેવા જેવું છે.


ફેસબુક મેસેન્જરઃ સહેલી એપ, હવે પીસી એપ પણ

ફેસબુકમાં એકાઉન્ટ ધરાવતી કોઈ પણ વ્યક્તિ ફેસબુક મેસેન્જરમાં ટેક્સ્ટ, વોઇસ અને વીડિયો કોલિંગનો લાભ લઈ શકે છે. તેમાં ગ્રૂપ વીડિયો કોલિંગની સુવિધા છે, પણ એક સમયે માત્ર છ વ્યક્તિના વીડિયો જોઈ શકાય છે. એન્ડ્રોઇડ અને આઇઓએસની એપ્સ ઉપરાંત હવે તો વિન્ડોઝ અને મેક માટે પણ તેની એપ આવી ગઈ છે.

મેસેન્જરમાં પણ ગ્રૂપ વીડિયો કોલિંગમાં ફન ઉમેરવા માટે વિવિધ ઇફેક્ટ્સ એડ કરવાની સુવિધા છે. અત્યાર સુધી આપણે પીસીમાં બ્રાઉઝરમાં મેસેન્જરનો ઉપયોગ કરી જ શકતા હતા, હવે તેની અલગ એપ પણ પીસીમાં ડાઉનલોડ કરી શકાય છે.


સ્કાઇપઃ વર્ષોથી લોકપ્રિય, હવે વધુ સરળ બની

વીડિયો કોલિંગ માટે અત્યાર સુધી દુનિયાની ફેવરિટ એપ. સ્કાઇપમાં ગયા વર્ષ એટલે કે એપ્રિલ ૨૦૧૯ સુધી ૨૫ લોકો સુધી મફત વીડિયો કોન્ફરન્સની સુવિધા હતી, પછી તે વધારીને ૫૦ લોકો સુધીની કરી દેવામાં આવી છે. સ્કાઇપમાં ફ્રી કોન્ફરન્સમાં પણ સમયની કોઈ મર્યાદા નથી.

સામાન્ય રીતે, સ્કાઇપનો ઉપયોગ કરવા માટે તમારું સ્કાઇપમાં એકાઉન્ટ હોવું જરૂરી હોય છે અને તમારે મોબાઇલ કે પીસી માટે તેને એપ ડાઉનલોડ કરવી જરૂરી હોય છે. હવે ઝૂમનો હુમલો ખાળવા માટે સ્કાઇપમાં પણ વીડિયો કોલિંગ શક્ય એટલું સરળ બનાવવામાં આવ્યું છે. સ્કાઈપમાં તેને ‘મીટ નાઉ’ કહેવામાં આવે છે.

સ્કાઇપમાં એકાઉન્ટ ધરાવતી કોઈ વ્યક્તિ અહીંથી મીટિંગ ક્રિએટ કરી શકે અને પછી તેની લિંક અન્યો સાથે શેર કરી શકે.

આ લોકો સ્કાઇપ એપ કે સ્કાઇપ એકાઉન્ટ વિના, સ્કાઇપના વેબ પ્લેટફોર્મમાં આ મીટિંગમાં જોઈ શકે છે. મતલબ કે કોઈ એકાઉન્ટ ક્રિએટ કર્યા વિના કે કશું ડાઉનલોડ કર્યા વિના વીડિયો કોલિંગ કરી શકાય છે. સ્કાઇપમાં તમે ઇચ્છો તો તમારા બેકગ્રાઉન્ડને બ્લર કરી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે તમારા સ્ક્રીનને શેર કરી શકો છો.

સ્કાઈપમાં તમે ઇચ્છો ત્યારે કોલ ક્લાઉડમાં રેકોર્ડ કરી શકો છો (અન્ય સભ્યોને તેની જાણ થશે) અને પછી ૩૦ દિવસ સુધી તેને ક્લાઉડમાં સ્ટોર કરી, ત્યાંથી શેર કરી શકો છો. સ્કાઇપ સીરિયસ બિઝનેસ મીટિંગ્સ માટે વધુ ઉપયોગી છે.


હેંગઆઉટઃ બિઝનેસમાં વધુ ઉપયોગી

ગૂગલ તેની ખાસિયત મુજબ, વીડિયો કોલિંગ માટે એક કરતાં વધુ એપ્સની ‘સગવડ’ આપે છે. ‘હેંગઆઉટ્સ’ તેમાંની એક છે. યાદ રહે, ગૂગલની જ ‘હેંગઆઉટ મીટ’ નામની સર્વિસ તેના પેઇડ યૂઝર્સ માટે છે અને મોટા ભાગે તે બિઝનેસ કોન્ફરન્સિંગ માટે છે, જ્યારે સાદી હેંગ્સઆઉટ એપ કે સર્વિસ મિત્રો અને સ્વજનો સાથે વીડિયો કોલ, ફોન કોલ કે મેસેજિંગ માટે છે.

જીમેઇલનું મફત એકાઉન્ટ ધરાવતા લોકો હેંગઆઉટમાં એક સાથે ૧૦ લોકો સુધી વીડિયો કોલ કરી શકે છે.

જી-સ્યૂટ (એટલે કે પોતાના બિઝનેસ માટે ગૂગલની વિવિધ પેઇડ સર્વિસ)ના બેઝિક વર્ઝનનો ઉપયોગ કરતા લોકો માટે, બિઝનેસ માટે હેંગઆઉટ મીટની લિમિટ્સ હમણાં વધારી દેવામાં આવી છે. જુલાઈ ૧, ૨૦૨૦ સુધી પૂરા ૨૫૦ લોકો એક સાથે વીડિયો કોન્ફરન્સમાં ભાગ લઈ શકશે. હેંગઆઉટ પણ ઉપયોગમાં બિલકુલ સરળ છે.

કોઈ એક વ્યક્તિ વીડિયો કોન્ફરન્સ શરૂ કરે અને બીજી વ્યક્તિને તેમના ઈ-મેઇલ કે ફોન નંબરથી તેમાં ઇન્વાઇટ કરી શકે. તમે પીસી/લેપટોપમાં અને એન્ડ્રોઇડ, આઇફોનની એપમાં તેનો ઉપયોગ કરી શકો.


તમે આમાં કે પછી અન્ય કોઈ વીડિયો કોલિંગ એપનો ઉપયોગ કરો છો? તમારા અનુભવો નીચે કમેન્ટમાં જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share on whatsapp
મિત્રોને આ પેજ મોકલો
Share on facebook
Share on twitter
Share on telegram
Don`t copy text!
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.