સાઇડ ઇન્કમ! મધ્યમ વર્ગની દરેક વ્યક્તિનું આ કાયમી સપનું હોય છે! કોઈ ને કોઈ જગ્યાએ સારા હોદ્દા પર પહોંચેલી વ્યક્તિ પણ યેનકેન રીતે ‘સાઇડ ઇન્કમ’ ધરાવતી હોય છે, પણ આપણે એની વાત નથી કરતા.
આપણે તો એક સાંધે ને તેર તૂટે એવી સ્થિતિમાં જીવતા, ખરેખર મધ્યમ વર્ગના પરિવારના સપનાની વાત કરીએ છીએ. આવા પરિવારમાં મોટા ભાગે કમાનારી વ્યક્તિ એક જ હોય. એટલે સંતાન કોલેજમાં પહોંચે ત્યાં સુધી તો એ, પપ્પાને થોડા મદદરૂપ થવા ને કમ સે ક્મ પોતાની કોલેજ ફીનો ખર્ચ કાઢી લેવા સાઇડ ઇન્કમ માટેના પ્રયાસ શરૂ કરે. પત્ની સારું ભણેલી હોય કે ન હોય, એ પણ પોતાની રીતે, કંઈ નહીં તો છેવટે રોજિંદા ઘરખર્ચમાંથી બચત કરીને પણ ‘સાઇડ ઇન્કમ’ ઊભી કરવાનો પ્રયાસ કરે.
આ પ્રકારે નવી આવક મેળવવાનો પ્રયાસ કરતી વ્યક્તિ કોઈ ફુલ ટાઇમ જોબ કરતી હોતી નથી. એમનો કોઈ ફુલ ટાઇમ બિઝનેસ પણ હોતો નથી, એ ફક્ત કંઈક નાનો મોટો જુગાડ કરીને આવક ઊભી કરે છે.
આવા લોકોનું કામ હવે સહેલું બનાવે છે સોશિયલ ઇ-કોમર્સ.
‘સાયબરસફર’ને વર્ષોથી પૂછવામાં આવતા સવાલોમાં સૌથી વધુ પ્રમાણ હંમેશા એક જ સવાલનું હોય છે – ઇન્ટરનેટ પરથી કમાણી કેવી રીતે કરી શકાય?!
આ સવાલના જવાબમાં હંમેશા કહેવામાં આવ્યું છે તેમ ઇન્ટરનેટ આખરે તો એક સાધન માત્ર છે. સ્માર્ટ આઇડિયા અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ઇન્ટરનેટ એવી કોઈ જડીબુટ્ટી નથી કે કશું કર્યા વગર તે આપણને ઘેરબેઠા રૂપિયા આપવા લાગે. પરંતુ નવા સમયનાં નવાં સાધન એટલાં પાવરફુલ ચોક્કસ છે કે જો મહેનત કરવાની અને નિશ્ચિત ધ્યેયને વળગી રહેવાની તમારી તૈયારી તથા થોડી સ્માર્ટનેસ હોય તો તમે તમારો વેપાર કે વ્યવસાય ઇન્ટરનેટની મદદથી આખી દુનિયામાં ફેલાવી શકો છો.
વિદેશોમાં સોશિયલ ઇ-કોમર્સ વર્ષોથી લોકપ્રિય છે.
વાતને થોડા આડે ચડાવીએ. માનવું મુશ્કેલ બનશે પણ, સિનેમોન અને જેસન નામના એક અમેરિકન દંપત્તિએ ઢીંગલીના કપડાંનો બહોળો વેપાર વિકસાવ્યો છે – ઇન્ટરનેટની મદદથી. જેમ ભારતના ઘર ઘરમાં બાળકીઓને ઢીંગલીઓનું ઘેલું હોય છે એવું જ આખી દુનિયામાં છે એટલે તો બાર્બીડોલ અને તેના જાતભાતના ડ્રેસ વર્ષોથી ઘર ઘરમાં રાજ કરે છે. સિનેમોન અને જેસનની દિકરી છ વર્ષની થઇ ત્યારથી તેને પણ ઢીંગલીનું ઘેલું લાગ્યું. જોકે, એની મમ્મી પોતે સિવણકામ અને ડ્રેસ ડિઝાઇનિંગમાં માહેર હતી એટલે તેણે દીકરીની ઢીંગલી માટે અવનવાં કપડાં ડિઝાઇન કરવાનું શરૂ કર્યું. પરિણામે તેની ઢીંગલીઓ અડોશ-પડોશના લોકોમાં આકર્ષણ જમાવવા લાગી. બસ ત્યારથી તેમના ડોલ ક્લોધિંગ બિઝનેસની શરૂઆત થઈ, જે આજે વર્ષે લાખો ડોલરની કમાણી કરે છે (જુઓ http://www.libertyjaneclothing.com/).
ભારતમાં આ ડ્રેન્ડ હવે શરૂ થઈ રહ્યો છે. આપણે ત્યાં આ ટ્રેન્ડની ખાસિયત એ છે કે તેમાં, તમારામાં કોઈ ચોક્કસ આવડત કે તમારી કોઈ પ્રોડક્ટ હોવી પણ જરૂરી નથી!
ભારતમાં સોશિયલ ઈ-કોમર્સનો ટ્રેન્ડ કેવો છે, તેમાં કેવી રીતે ઝંપલાવી શકાય, કઈ બાબતોનું ધ્યાન રાખવું વગેરેની આ વખતની કવરસ્ટોરી વાત કરી છે. તમારો આ વિશે કોઈ જાતઅનુભવ હોય તો જરૂર શેર કરશો!