આઇટી રીટર્ન ફાઇલ કરવાનું હોય કે ઓનલાઇન ટેન્ડર ભરવાનું હોય, ડોક્યુમેન્ટ પર ડિજિટલ સિગ્નેચર હવે ફરજિયાત થવા લાગી છે. આ નવા પ્રકારના હસ્તાક્ષર વિશે જાણવા જેવી બાબતો.
હમણાં ગયેલા માર્ચ મહિનામાં તમે મોડે મોડથી જાગીને તમારું ઇન્કમ ટેક્સ રીટર્ન ભર્યું હશે કે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટેનું ઇન્કમ ટેક્સ રીટર્ન હવે ભરશો ત્યારે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથેની વાતચીતમાં કદાચ એક વાતે તમને વધુ જાણવાની જિજ્ઞાસા થઈ હશે – એ મુદ્દો છે ડિજિટલ સિગ્નેચરનો.
આપણા દેશમાં ઇન્કમ ટેક્સના નવા કાયદા મુજબ અમુક ચોક્કસ વર્ગમાં આવતા તમામ વ્યક્તિઓ, પ્રોફેશનલ્સ કે બિઝનેસ જૂથોએ ઇન્કમ ટેક્સ રીટર્ન, ડિજિટલ સિગ્નેચર સાથે ઓનલાઇન ફાઇલ કરવું પડે છે. તમે એ વર્ગમાં ન આવતા હોય તો પણ તમે રીટર્ન પર ડિજિટલ સિગ્નેચર કરીને રીટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને વધુ સરળ અને સલામત બનાવી શકો છો.
તમારો પોતાનો બિઝનેસ હોય અને તમે ઓનલાઇન ટેન્ડર ભરતા હો તો તેમાં પણ ઘણા સંજોગમાં પોતાના ટેન્ડર પર ડિજિટલ સિગ્નેચર કરવી હવે ફરજિયાત બની ગઈ છે. ભારતમાં ઇન્ફર્મેશન એક્ટ, ૨૦૦૦ મુજબ, અદાલતમાં પણ ડિજિટલ સિગ્નેચર માન્ય ગણાય છે.
ઘણા લોકો ડિજિટલ સિગ્નેચર એટલે તેમણે કાગળ પર કરેલી સહીનો ફોટોગ્રાફ કે સ્કેન કરેલી ઇમેજ માનવાની ભૂલ કરતા હોય છે. વાસ્તવમાં ડિજિટલ સિગ્નેચર તેનાથી બિલકુલ અલગ છે અને તેને આપણી કાગળ પરની કાયમી સહી સાથે કોઈ લેવાદેવા જ નથી!