આ વખતે વેકેશન, અસલ વેકેશન જેવું નથી કેમ કે સ્કૂલ લગભગ શરૂ જ ન થઈ અને પરીક્ષાનો હાઉ પણ ન રહ્યો - અજવાળાનો આનંદ અંધારાને કારણે છે એ હવે સમજાય એવું છે! જોકે તો પણ, વેકેશન એટલે વેકેશન. આપણે ‘ટેકનોવર્લ્ડ’ના ફોકસથી થોડા ડાઇવર્ટ થઈને, એક મજાની ગેમની વાત કરીએ.
આ ગેમ તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો તેનાં કેટકેટલાંય ડિજિટલ વર્ઝન મળી આવશે, પણ આગ્રહભરી વિનંતી કે એ શોર્ટકટ અજમાવશો નહીં. સરકારી કે સ્વયંભૂ લોકડાઉન જેવા આ દિવસોમાં ઘરમાં પૂરાયા હો તો ઘરના વડીલો અને બાળકો સાથે મળીને, જાતે કાગળ-પેન ને કાતર લઈને આ ગેમનું ફિઝિકલ વર્ઝન બનાવશો તો વધુ મજા પડશે.
ગરમીના દિવસોમાં ડિજિટલ ડિવાઇસની ગરમીથી થોડા દૂર રહી શકાશે અને એકમેકના ‘લાઇવ કોન્ટેક્ટ’માં સમય વધુ સારી રીતે પસાર થશે!
અલબત્ત, આપણે આપણું ફોકસ સાવ ભૂલીશું નહીં. આ ગેમ્સ બનાવતી વખતે અને રમતી વખતે, થોડો વિચાર એ પણ કરજો કે કાગળ પર રમી શકાતી આ જ ગેમ જ્યારે ડિજિટલ અવતાર લે છે ત્યારે કન્સેપ્ટથી ક્રિએશન સુધીની એ સફર કેવી રીતે સાકાર થતી હશે? ‘‘આઇટીમાં કરિયર બનાવવી છે!’’ એવું તમારું સપનું હોય તો સ્માર્ટફોનમાં કોઈ પણ ગેમ રમતી વખતે એ પણ વિચારવા જેવું છે કે સ્ક્રીન પર આપણને જે દેખાય છે, તેની પાછળ કઈ ને કેવી કરામત કામ કરતી હશે? ગેમનું કોડિંગ કેવી રીતે થતું હશે કે દરેક ગેમમાં આટઆટલી વિવિધતા ને એક પછી એક મુશ્કેલ બનતાં જતાં લેવલ સર્જાતાં હશે? સિંગલ પ્લેયરને બદલે મલ્ટિ-પ્લેયર કે ‘બેટલ રોયાલ’ પ્રકારની ગેમ કેવી રીતે બનતી હશે, જેમાં જુદા જુદા પ્લેયર, એપની પોતાની સિસ્ટમ વગેરે ટીમ બનાવીને કે એકમેકની સામે લડી શકે? એ દરેક પ્લેયરની મૂવમેન્ટનું કોઓર્ડિનેશન કેવી રીતે થતું હશે? મગજનું દહીં થઈ જાય એટલી હદનું પ્લાનિંગ, પરફેક્શન અને પરફોર્મન્સ એ બધાયનો જબરજસ્ત સંગમ કેવી રીતે થતો હશે?
જો આઇટી તમારો મનગમતો વિષય હોય, તો ગેમ્સ રમતી વખતે તેની આ બીજી બાજુનો વિચાર કરશો તો સમજાશે કે ગેમ રમવા કરતાં તો એને ડેવલપ કરવામાં વધુ જલસો હશે!