અંગ્રેજીમાં એક સરસ શબ્દ છે - ફૂટલૂઝ - એટલે કે મસ્તરામની જેમ, કોઈ ચોક્કસ મંઝિલ સામે નજર માંડીને ચાલવાને બદલે, દરેક ડગલે આસપાસ દેખાતું બધું જ પૂરી મોજથી આંખોથી પીને ભીતર ભરતો રહે એવો માણસ. તમે આવા ફૂટલૂઝ ટાઇપના વ્યક્તિ હશો તો લગભગ તો તમે કોઈ ને કોઈ શહેરના પ્રેમમાં પડ્યા જ હશો. આ લખનારને પાણી પર વસેલું વેનિસ શહેર એવું વ્હાલું થઈ પડ્યું છે! જિંદગીમાં સગી આંખે ક્યારેય જોયું નથી, પણ ફિલ્મ્સમાં, પુસ્તકોમાં ને તસવીરોમાં એને જોયા પછી લાગે છે આ શહેર ફૂટલૂઝ બનીને માણવા જેવું છે.
ભાગ્ય વેનિસ લઈ જશે કે નહીં એ ખબર નથી, પણ ગૂગલ તેની સ્ટ્રીટ વ્યૂ સર્વિસની મદદથી ચોક્કસ લઈ જાય છે - કોઈ ખર્ચ વિના!
ગયા અઠવાડિયે તમે છાપાંમાં વાંચ્યું હશે કે ગૂગલ મેપ પર હવે બેંગાલૂરુના સ્ટ્રીટ વ્યૂ જોઈ શકાશે. એ વાંચીને, આ સફરના નિયમિત વાચક હશો તો તો તમે ગૂગલ મેપ પર પહોંચી જ ગયા હશો, ન ગયા હો તો અત્યારે આપણે સ્ટ્રીટ વ્યૂનો ક્લોઝ વ્યૂ લઈ લઈએ.
ગૂગલે 2007માં આ સર્વિસની શરૂઆત કરી. અત્યારે દુનિયાના 27દેશોનાં વિવિધ સ્થળોને તેણે આ સર્વિસમાં આવરી લીધાં છે અને હવે બેંગાલૂરુમાં પણ ગૂગલની સ્ટ્રીટ વ્યૂ કાર કે ‘ટ્રાઈક’ફરતી થઈ જશે.
તમે જાણતા જ હશો તેમ દુનિયા આખીની માહિતીને અનેકવિવિધ રીતે, ઓર્ગેનાઇઝ કરીને લોકોના (અને કંપનીના પોતાના હિતમાં!) ઉપયોગમાં લેવી એ ગૂગલનું ધ્યેય છે. ગૂગલ માહિતીને માત્ર લખાણ કે દસ્તાવેજના સ્વરૂપમાં જોતું નથી. એટલે જ ગૂગલના કોઈ એન્જિનીયરને દુનિયાનાં વિવિધ સ્થળોનો 360ડીગ્રી વ્યૂ ગૂગલ મેપ પર મૂકવાનો વિચાર આવ્યો અને કંપનીએ એનો અમલ પણ શરૂ કર્યો. શરૂઆતમાં એક નાની ટ્રકમાં સંખ્યાબંધ કમ્પ્યૂટર્સ, કૅમેરા, લેઝર્સ, ગ્લોબલ પોઝિશનિંગ ડિવાઇસ વગેરેનો આખો ઝમેલો લઈને ગૂગલની ટીમ અમેરિકાનાં પાંચ શહેરોમાં ફરી વળી હતી અને શહેરના ખૂણાખાંચરાંના અનેક ફોટોગ્રાફ લીધા હતા. હવે આ કામ નાની કાર અથવા આપણી પેડલ રીક્ષા જેવી ખાસ ડિઝાઇન કરેલી ‘ટ્રાઇક’ની મદદથી કરવામાં આવે છે. ટ્રાઇક એટલા માટે બનાવવામાં આવી કે તેની મદદથી ગૂગલના કૅમેરા અમદાવાદની પોળ જેવી સાંકડી ગલીઓ અને બગીચાની અંદર પણ પહોંચી શકે!
બેંગાલૂરુની વાત કરીએ તો, આ રીતે ગૂગલની ટીમ બેંગાલૂરુનાં અનેક જાહેર સ્થળોની અત્યંત ઝીણવટભરી ફોટોગ્રાફી કરશે, પછી મહિનાઓ સુધી એ ડેટા પર પ્રોસેસિંગ થશે અને પછી બેંગાલુરુનો સ્ટ્રીટ વ્યૂ ગૂગલ મેપ પર મુકાશે. પરિણામે, થોડા સમય પછી તમારો આઇટી એન્જિનીયર દિકરો અમેરિકાથી પરત ફરીને બેંગાલૂરુમાં સેટલ થવા ઘર શોધતો હોય કે તમે પરિવાર સાથે બેંગાલૂરુ ફરવા જવા માગતા હો તો બુકિંગ માટે પસંદ કરેલી હોટેલનો આસપાસનો વિસ્તાર કેવોક છે એ જાણવા માટે તમારે ઘેરબેઠાં ફક્ત થોડી ક્લિક્સ કરવાની રહેશે!
મતલબ કે આ સ્ટ્રીટ વ્યૂમાં આપણે જે ઇમેજીસ જોઈએ છીએ એ બે-ચાર અઠવાડિયાં કે તેથી પણ વધુ અને ક્યારેક તો બે-ત્રણ વર્ષ જૂની ઇમેજીસ હોય છે. હવે તમે વિચાર કરો, કોઈ શહેર કોઈ એક દિવસે તેની રોજિંદી ઘટમાળમાં વ્યસ્ત હોય અને જુદા જુદા વિસ્તારમાં ચાલતી જાતભાતની પ્રવૃત્તિઓ 360ડીગ્રીના સ્પાનમાં કૅમેરામાં ઝડપાવા લાગે તો શું થાય? સ્વાભાવિક રીતે પ્રાઇવસીના ઇસ્યુ ઊભા થાય. ગૂગલની દલીલ છે કે તમે રોજબરોજ જે કંઈ જુઓ છો એ જ બધું ગૂગલના કૅમેરામાં ઝીલાય છે. છતાં, સ્ટ્રીટ વ્યૂમાં ઝડપાયેલી ચિત્ર-વિચિત્ર તસવીરો બતાવતા અનેક બ્લોગ પણ ફૂટી નીકળ્યા છે! જોકે ગૂગલ વ્યક્તિના ચહેરા કે કારની નંબર પ્લેટ બ્લર કરી દે છે.
સ્ટ્રીટ વ્યૂની મજા લેવી હોય તો ગૂગલ મેપમાં પહોંચીને કોઈ શહેર સર્ચ કરો (જેમ કે વેનિસ! ). જોકે એમ જાતે ઝંપલાવવા જશો તો લગભગ નિરાશ થશો, એને બદલે, http://maps.google.co.in/intl/en/help/maps/streetviewપર જઈને (અથવા તો આ પેજમાં નીચે જ!) હવાઈ ટાપુના બીચ પરના મજાના વળાંકદાર રસ્તાની સફરે નીકળશો તો સ્ટ્રીટ વ્યૂ શું ચીજ છે એનો ખાસ્સો અંદાજ આવશે.
જોકે ઉપર લખ્યું છે એવા ખરેખરા ફૂટલૂઝ ટાઇપના વ્યક્તિ હશો તો સ્ટ્રીટ વ્યૂ જોઈને તમને લાગશે કે દિલ કો બહેલાને કે લિયે, ગાલિબ, યે ખયાલ અચ્છા છે...! તમે જ વિચાર કરો, કેરળના દરિયાકાંઠે તમે ઊભા હો અને દરિયા પર દૂર દૂરથી આવતાં વાદળો જોઈને મનમાં જે ખુશીનો વંટોળ જાગે અને વાદળાં માથે ચઢી આવ્યા પછી મોં પર પહેલા પહેલા વરસાદની જે મીઠી વાછંટ લાગે ને એની જે મજા હોય... એ કંઈ ઇમેઇલમાં કોઈએ ફોરવર્ડ કરેલી કેરળના વરસાદની ઇમેજીસ જોઈને અનુભવી શકાય?
View Larger Map
| Comments |
|






