નામ? અરવિંદ ગુપ્તા. ઉંમર? ૬૦ વર્ષથી વધુ. કામ? બાળકોને ગમે એવાં રમકડાં બનાવવાનું. અભ્યાસ? બી.ટેક. આઇઆઇટી કાનપુરમાંથી. ફર્સ્ટ ડિવિઝન સાથે.
સજ્જનના અભ્યાસ અને કામનો મેળ બેસતો નથી લાગતોને? આઇઆઇએમ કે આઇટીઆઇમાંથી બહાર નીકળતી વ્યક્તિ મોટા ભાગે વિદેશ તરફ અથવા ભારતમાં વિદેશની કે એના સ્તરની કંપનીમાં જોડાવા માટે દોટ લગાવે, ત્યારે આ ભાઈ રમકડાં, એ પણ પાછાં હાઇ ટેક્નોલોજી બેઝડ નહીં, ફૂગ્ગા ને સ્ટ્રો ને દોરી ને પ્લાસ્ટિકની બોટલ વગેરે વગેરે ચીજવસ્તુમાંથી બને એવાં રમકડાં બનાવવાના કામમાં લાગ્યા ને વર્ષોપર્યંત એમાં જ રચ્યાપચ્યા રહ્યા.
તમને જો દૂરદર્શનનો જમાનો યાદ હોય તો તમે આ વિજ્ઞાનીને દૂરદર્શનમાં મોટા ભાગે બપોરના કંટાળાજનક સમયે દર્શાવાતા કાર્યક્રમોમાં બાળકો માટેનાં શૈક્ષણિક રમકડાં બતાવતાં જોયા પણ હશે. એ કાર્યક્રમના અત્યંત નીરસ પ્રોડક્શન અને કંગાળ ભાષાંતરને કારણે, બાળકોને મજા પડી જાય એવો એ કાર્યક્રમ ક્યારેય હીટ નીવડ્યો નહીં. હવે સદભાગ્યે, ઇન્ટરનેટ એમની મદદે છે.
અત્યારે પૂનાના ચિલ્ડ્રન્સ સાયન્સ સેન્ટર ફોર ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ સાથે સંકળાયેલા અરવિંદ ગુાએ બાળકોમાં વિજ્ઞાનના પ્રસારને પોતાનું જીવનલક્ષ્ય બનાવ્યું છે. ઉપર માત્ર ત્રણ વાક્યમાં એમનો બાયોડેટા આપ્યો છે, પણ એમની વેબસાઇટ પર જઈને જોશો તો સમજાશે કે આ વિજ્ઞાનીએ જીવનભર રમકડાં બનાવવા ઉપરાંત પણ ઘણું ઘણું કર્યું છે, પણ એ બધાંના મૂળમાં, અંતે તો એક જ વાત છે વિજ્ઞાનનો પ્રસાર, એ પણ ઈંગ્લિશ મીડિયમની શાળાઓ નહીં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગામડાંની શાળાના સ્તરે જ ધ્યાન કેન્દ્રિત કરીને.
સદનસીબે, એમણે એમના આખા જીવનમાં જે કંઈ પ્રવૃત્તિઓ કરી છે એનો ઠીક ઠીક નિચોડ હવે એક વેબસાઇટના સ્વરૂપે (http://www.arvindguptatoys.com) આપણને સુલભ બન્યો છે.
આ પ્રકારની સાઇટ્સમાં મોટા ભાગે બને છે તેમ સાઇટમાં ડિઝાઇન જેવું ખાસ કંઈ છે જ નહી. લખાણમાં પણ સાઇટ પર સીધું વાંચવા મળે એવું તો લગભગ કશું જ નથી. ફક્ત, એમની પ્રવૃત્તિઓ વિશે અનેક અખબારોમાં પ્રસિદ્ધ થયેલા લેખો અને એની લિંક્સ તથા અરવિંદ ગુાએ પોતે લખેલાં અથવા અન્ય સાથે સંપાદિત કરેલાં વિજ્ઞાન વિશેનાં પુસ્તકોની લાંબીલચક યાદી જોવા મળશે. મજાની વાત એ છે કે આ બધાં જ પુસ્તકો તમે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરીને વાંચી શકો છો.
એક નજર આ પુસ્તકોનાં શીર્ષકો પર ફેરવી લઈએ... ધ લીટર ફિંગર્સ, અહા એક્ટિવિટીઝ, સ્ટ્રિંગ ગેમ્સ, લિટલ સાયન્સ, મેચસ્ટીક મોડેલ્સ એન્ડ અધર સાયન્સ એક્સપરીમેન્ટ્સ, લીટલ ટોય્સ, ટોય જોય, બબલુઝ બોટ્સ, લીફ ઝૂ, ક્વિક એક્ટિવિટીઝ, મેચસ્ટિક પઝલ્સ, એ લાઇફ વર્થ લિવિંગ, એ ટચિંગ સ્લેટ, લર્નંિગ સાયન્સ થ્રુ એક્ટિવિટીઝ એન્ડ ટોય્ઝ... આ બધાં અંગ્રોજી શીર્ષકો વાંચીને નિરાશ ન થતા, ઘણાં પુસ્તકો હિન્દીમાં પણ મળશે. પુસ્તકોની યાદી સખ્ખત એટલે સખ્ખત લાંબી છે.
આ બધું તો તમે રસ પડે તેમ ડાઉનલોડ કરતા જઈને ફુરસદે વાંચી શકો છો, પણ તાબડતોબ, તરત ને તરત કંઈક કરવું હોય તો ઘરવપરાશની ચીજવસ્તુઓમાંથી બનાવી શકાય તેવાં કેટકેટલાંય વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત રમકડાં, એને બનાવવાની વિધિ સમજાવતા ફોટોગ્રાફ, વિડિયો, રમકડાં પાછળનું વિજ્ઞાન વગેરે બધું તમને અહીં મળશે.
તમે તમારાં સંતાનને સૂર્યગ્રાહણ કે બ્રહ્માંડના ગ્રાહો, પૃથ્વીનું પરિભ્રમણ વગેરે સહેલાઇથી સમજાવવા ઇચ્છતા હો (કે બાળક પૂછે તે પહેલાં તમે પોતે તમારું જ્ઞાન ઠીકઠાક કરી લેવા ઇચ્છતા હો) તો આ સાઇટ એક મજાના શિક્ષક જેવી છે. ખરેખર તો શિક્ષકો, વાલીઓ, બાળકો વગેરે સૌ માટે આ વેબસાઇટ એક મોટી શાળાની ગરજ સારે એવી છે.
ફુરસદે, પૂરતો રસ લઈને ઝંપલાવશો તો લાંબા સમય સુધી બહાર નીકળી નહીં શકો એની ગેરંટી.