ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝએક બેચારા, મેઇલ્સ કે બોજ કા મારા, ઇન્હેં ચાહિયે...

એક બેચારા, મેઇલ્સ કે બોજ કા મારા, ઇન્હેં ચાહિયે...

ટેક્નોલોજી ખરેખર તો આપણા જીવનને વધુ સરળ અને સહજ બનાવવા માટે હોવી જોઈએ, પણ થાય છે તેનાથી ઊંધું. ટેક્નોલોજીનો ઓવરયૂઝ અને પરિણામે થતો ઓવરડોઝ જાળ એટલે કે નેટને જંજાળ બનાવી દે છે.

જેમ રવિવારની સવારે અખબાર સાથે ઘરમાં ફરફરિયાંનો ઢગલો થઈ પડે છે એમ ઇમેઇલના ઇનબોક્સમાં પણ રોજેરોજ જાતભાતના ઇમેઇલ્સનો ખડકલો થતો રહે છે. એમાંથી આપણા કામના ઇમેઇલ્સ ગણતરીના જ હોય, બાકીના, કાં તો નજર નાખીને ડીલીટ કરવાના હોય અથવા એટલીય તસ્દી લીધા વિના ટ્રેશમાં નાખવા હોય. હવે મોટા ભાગે આપણી ઇમેઇલ સર્વિસ, પછી તે જીમેઇલ હોય, યાહૂહોટમેઇલ હોય કે બીજી કોઈ, સ્પામ ફિલ્ટરની તો ઠીકઠીક સારી સગવડ આપતી હોય છે, પણ હવેના ઇમેઇલ સ્પેમર્સ (એટલે કે સાદા શબ્દોમાં ઇલેક્ટ્રોનિક ફરફરિયાં મોકલનારા) એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તે ઇમેઇલ સર્વિસના ફિલ્ટરમાંથી છટકીને આપણા ઇનબોક્સમાં ઘૂસી જાય છે.

વાત માત્ર સ્પામની નથી. બેંક, મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ મોલમાંથી આપણે મરજીથી લીધેલું કે પરાણે વળગેલું કાર્ડ વગેરે વગેરેમાં આપણે જાણેઅજાણે ઇમેઇલ એડ્રેસ આપી દઈએ એટલે એ બધામાંથી ઇમેલ્સનો જોઈતોવણજોઇતો પ્રવાહ શરૂ થઈ જાય એ અલગ. તકલીફ એ જ હોય કે મ્યુચ્યુઅલ ફંડમાંથી આપણા એકાઉન્ટને લગતી માહિતીના મેઇલ્સ પણ આવે અને ફંડની જાહેરાતના મેઇલ્સ પણ આવે.

મેઇલ્સના આ ગંજાવર ખડકલાને ઓર્ગેનાઇઝ કરવો કેવી રીતે?

પહેલો ઉપાય છે ફિલ્ટર સેટ કરવાનો. લગભગ બધી ઇમેઇલ સર્વિસમાં ફિલ્ટરની સગવડ હોય છે. જેમાં તમે ચોક્કસ એડ્રેસ પરથી આવતા મેઇલ્સને ચોક્કસ ફોલ્ડરમાં મોકલવાની તજવીજ કરી શકો છો. જીમેઇલ સિવાયની બધી સર્વિસમાં મોટા ભાગે ફિક્સ્ડ ફોલ્ડરની વ્યવસ્થા હોય છે, જેમાં એક મેઇલને તમે ફક્ત એક જ ફોલ્ડરમાં નાખી શકો. એટલે, તમે તમારા મોબાઇલનાં બિલ ઓનલાઇન મેળવતા હો તો એ મેઇલને તમે બિલના ફોલ્ડરમાં મોકલી શકો, પણ ટુડુનું એક ફોલ્ડર પણ બનાવ્યું હોય, જેમાં તમે જે ઇમેઇલ પર એક્શન લેવાનાં હોય તેવા મેઇલ્સ મોકલતા હો, તો સાદી રીતે જોઈએ તો મોબાઇલના બિલને બિલનું ફોલ્ડર અને ટુડુનું ફોલ્ડર બંને લાગુ પડે - બેમાંથી તમે કયા ફોલ્ડરમાં તેને મોકલો? વાત ગૂંચવાડાભરી લાગે છે? કદાચ એટલે જ જીમેઇલમાં ફોલ્ડરને બદલે લેબલ્સ છે. એક મેઇલને તમે બેત્રણ કે જેટલાં ચાહો તેટલાં લેબલ લગાવી શકો. પછી જે રીતે તમે મેઇલ સોર્ટ કરવા માગતા હો એ રીતે કરી શકો. પછી ફિલ્ટર સેટ કરવાનું કામ થોડું સહેલું બની જાય.

જોકે આ બધામાં અંતે વાત એ આવે છે કે આપણે કાળજીપૂર્વક, આગોતરું આયોજન કરીને ફિલ્ટર સેટ કરવાં પડે. હવે કામનાં ને નકામાં ફરફરિયાં તો કોઈ આયોજનને અનુસરતાં નથી. તો શું કરવું?

એ માટે એક સહેલો ઉપાય છે અધરઇનબોક્સ (http://www.otherinbox.com/) નામની એક મફત સર્વિસને શરણે જવાનો. આ સર્વિસ અત્યારે જીમેઇલ અને યાહૂ મેઇલ માટે અમલમાં છે. સાઇટ પર જાઓ, તેની પ્રાઇવસી પોલીસી જોઇ સમજી, તમને ભરોસો પડે તો તમારા એકાઉન્ટની વિગતો આપશો તો આ સર્વિસ તેના કામે લાગી જશે અને તેના સ્માર્ટ લોજિકથી, તમારા કામના અને ન કામના મેઇલ્સને અલગ તારવી આપશે. બલ્ક ઇમેઇલર્સને તેમના ઇમેઇલ આઇડી પરથી ઓળખીને આ સર્વિસ તેમને બેન્કિંગ, શોપિંગ વગેરે વગેરે અલગ અલગ કેટેગરીમાં વહેંચી નાખે છે. તેમ, તમે ઇચ્છો તો રોજેરોજ તમારા એકાઉન્ટની એક સમરી પણ તમને મોકલી આપે છે.

શરૂઆતમાં આ બધું કામ ઇમેઇલ ડાઇરેક્ટ ડિલીટ કરી નાખવા કરતાં થોડું વધુ જંજાળભર્યું લાગશે, પણ આદત કેળવાશે અને આ સર્વિસને તમારી પર આવતા મેઇલ્સની પેટર્ન સમજાતી જશે તેમ તેમ તમારું મેઇલબોક્સ ક્લટરફ્રી બનતું જશે.

અલબત્ત, સૌથી પહેલાં લખ્યું તેમ આ ટેકનોલોજી પણ આપણું કામ સહેલું બનાવવા માટે છે. તમારા પર વધુ પડતા મેઇલ્સ આવતા હોય તો જ આમાં ઝંપલાવજો, બાકી ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ડિલીટ કરીશું ઇમેઇલ્સ’ એમ ગણગણતાં જૂની ઢબથી કામકાજ ચાલુ રાખજો.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com