પેલી કઈ કહેવત હતી? હા, એક તસવીર હજાર શબ્દની ગરજ સારે. એવી જ બીજી પણ એક કહેતી છે કે એક સમજુ માતા સો શિક્ષકોની ગરજ સારે. હવે વિચારો કે તસવીર, શબ્દો, એનિમેશન, વોઇસ, સમજુ મમ્મીઓ અને સાચા શિક્ષક... આ બધું ભેગું થાય તો કેવો ચમત્કાર થાય?
કીડ્ઝનોઇટ (www.kidsknowit.com) નામના એક નેટવર્ક જેવો!
એક મિનિટ, ઉતાવળા ન થાવ, ચમત્કાર જોવા દોટ ન મૂકશો કેમ કે ચમત્કારની આપણા મનમાં જે સામાન્ય કલ્પના ઊભી થાય તે લઈને આ સાઇટ પર જશો તો નિરાશ પણ થશો! પહેલાં થોડું બેકગ્રાઉન્ડ જાણી લો અને પછી ઊંડા ઊતરજો.
૧૯૯૮માં, યુએસએના સોલ્ટ લેક સિટીમાં એક શિક્ષકે તેમના વિદ્યાર્થીઓ માટે એક ક્લાસરૂમ પ્રોજેક્ટ શરૂ કર્યો. તેના સંદર્ભમાં, વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું રેફરન્સ મટિરિયલ શોધવા એમણે ઇન્ટરનેટમાં ખાંખાંખોળાં કરવાનું શરૂ કર્યું. એ સમયે, ઇન્ટરનેટનો હજી તો ચઢતો કાળ હતો ત્યારે, નેટ પર સારી ગુણવત્તાવાળી એજ્યુકેશનલ વેબસાઇટ જોવા ન મળી એટલે આ શિક્ષકે જાતે જ એ સાહસ ખેડવાનું નક્કી કર્યું. કોઈ ટેકનિકલ જાણકારી કે ડિઝાઇનિંગની સ્કિલ વિના, માત્ર એક પુસ્તકને સહારે, કેટકેટલાય દિવસોની મથામણ પછી, એ શિક્ષકે પોતાની પહેલી વેબસાઇટ બનાવી. પાછળથી એમાં બીજી સાઇટ્સ પર ઉમેરાઇ.
શિક્ષકનો મૂળ ઇરાદો તેમના પોતાના વિદ્યાર્થીઓના ખપ પૂરતી જ વેબસાઇટ્સ બનાવવાનો હતો, પણ સારું કામ એમ મર્યાદિત થોડું રહે? સાઇટ વિશે મીડિયા માફરત વાત ફેલાઇ. અખબારો, ટીવી, નેશનલ રેડિયો બ્રોડકાસ્ટ્સ વગેરેમાં એનો ઉલ્લેખ થયો. ઉત્તર અમેરિકાનાં પુસ્તકાલયો અને શાળાઓમાં પણ એની ઉપયોગી રીસોર્સ તરીકે ગણના થવા લાગી. આજે ૧૨ વર્ષ પછી, સાઇટના દાવા મુજબ, દર મહિને દુનિયાભરનાં લાખો બાળકો આ સાઇટ્સની મુલાકાતે આવે છે.
સાઇટ પર દુનિયાભરના જ્ઞાનનો રીતસર કુબેરભંડાર ભર્યો છે. અહીં બાળકો જાતભાતની ગેમ્સ રમી શકે છે, અને ગેમ્સ પણ કેવી? એસ્ટ્રોનોમી, બાયોલોજી, જ્યોગ્રાાફી, જીયોલોજી, હિસ્ટ્રી, મેથ્સ, મેમરી, સ્પેલિંગ વગેરે વગરેની ગેમ્સ. આ નેટવર્કને ખરેખર પાર વગરના મુલાકાતી મળતા હશે એવું માની શકાય કેમ કે વધતા જતા ટ્રાફિકને પહોંચી વળવા, એક સાઇટ પર અલગ અલગ વિભાગો કરવાને બદલે, ઉપર લખ્યા છે એ બધા જ વિષયની અલગ અલગ સાઇટ બનાવવામં આવી છે.
નવું નવું શીખવાનું શરૂ કર્યું હોય એવા બાળકને આપણી સોલર સિસ્ટમ સમજાવવાનો પ્રયાસ કરી જોજો. કોણ કોની ફરતે ફરે છે અને એમાંથી પાછું કોણ પોતાની ધરી પર પણ ફરે છે એ સમજાવતાં નાકે દમ આવી જશે. આ જ કામ, આ નેટવર્કની એસ્ટ્રોનોમી સાઇટ પર સરસ એનિમેશનની મદદથી સાવ સહેલાઈથી સમજી અને સમજાવી શકાય છે. આ નેટવર્કની રીક્રૂટમેન્ટ એડમાં ભારપૂર્વક લખ્યું છે કે તેમની સાથે કામ કરવું હોય તો ડીગ્રી હોવી જરૂરી નથી, માત્ર ધગશ જોઈશે. ઘેરથી કામ કરતી અનેક અમેરિકન મમ્મીઓ આ સાઇટ માટે કામ કરે છે. કેટકેટલીય યુનિવર્સિટીઝ અને નાસા સહિતની સંસ્થાઓમાં કામ કરતા લોકો આ નેટવર્કમાં અપાયેલી માહિતીમાં ભૂલચૂક ન રહે એ માટે પોતાનાથી બનતું યોગદાન આપે છે.
અચ્છા, જો બધું એટલું સરસ છે, તો શરૂઆતમાં એમ કેમ લખ્યું છે કે ઉતાવળે સાઇટ પર દોડી જશો તો નિરાશ થશો? એટલા માટે કે વિઝયુઅલી, આ બધી સાઇટ્સ અપીલિંગ નથી. બેકગ્રાઉન્ડ જાણ્યા વિના અહીં પહોંચી ગયા હોઈએ તો ઉડતી નજર નાખીને તરત બહાર નીકળી જઈએ એવી શક્યતા પણ ખરી.
એવું કેમ થયું હશે? જવાબ કદાચ પેલા શિક્ષક - મિ. બર્ટોકની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠામાંથી મળે છે. શિક્ષણ આનંદદાયક હોવું જોઈએ અને નિઃશુલ્ક હોવું જોઈએ, જેમને શિક્ષણ ખરીદવું પોસાતું નથી એમને જ શિક્ષણની સૌથી વધુ જરૂર છે એમની એમની સાદી સમજ છે. આ ભાવનાથી પ્રેરાઇને એમણે પોતાની સાઇટ્સના નેટવર્કને પ્રોફિટેબલ બિઝનેસની જેમ વિસ્તારી નથી. ઓછામાં ઓછા સ્ટાફ અને સ્વયંસેવકોના સાથથી એમણે આ નેટવર્ક સર્જ્યું અને ચલાવ્યું છે. આ નેટવર્ક જુદી જુદી શાળાઓમાં નજીવી ફી સાથે શૈક્ષણિક કાર્યક્રમો યોજે છે, એમાં પણ, શાળાઓ ખર્ચ કઈ રીતે ઘટાડી શકે એ આ સાઇટ પર સૂચવ્યું છે! નેટવર્ક પર જાહેરાતો કેમ છે અને કયા પ્રકારની છે એની ચોખવટ પણ છે. અને આખી સાઇટમાં મિ. બર્ટોક વિશે, એમના આ અધૂરા નામથી વધુ કંઇ જ માહિતી મળતી નથી.
આદર્શ શિક્ષકો પર માત્ર ભારતનો જ ઇજારો થોડો છે?