અહીં કોઈ મશીનગનની ધણધણાટી નથી, અહીં કોઈનો શિકાર કરવાનો નથી કે કોઈથી બચવાનું નથી, કોઈ વિલન નથી, કોઈ ટાર્ગેટ નથી, અહીં તો જીતવાનું કે નંબર વન પણ બનવાનું નથી!
વેકેશનમાં ટાબરિયાંઓને એમનો ખજાનો ખોલીને રમતાં જોવામાં જે આનંદ છે એવો આનંદ તો કદાચ ટાબરિયાંને પોતાને, રમત રમવામાં પણ નહીં આવતો હોય! ઘણું ખરું તો મમ્મીએ કબાટનું એક આખું ખાનું ભરી આપ્યું હોય અથવા ટબ કે ખોખું ફાળવ્યું હોય અને એમાં મોટાંને સાવ નકામી લાગતી, પણ ભૂલકાં માટે અમૂલ્ય એવી જાતભાતની ચીજવસ્તુઓનો અખૂટ ખજાનો ખડકાતો જાય...
જોકે બાળકને તો સતત નવીનતા જોઈએ, એકનું એક રમીને એ જલદી કંટાળી જાય ને એની કલ્પનાશક્તિ જેટલી જ ઝડપે એનો રમકડાંનો ખજાનો વધી શકતો ન હોય તો શું કરવું? સૂપટોય્ઝના શરણે જવું!
સૂપટોય્ઝ (www.souptoys.com) સાયબરજગતમાં ઝડપથી લોકપ્રિય થતી જતી સાઇટ છે. જી ના, આ કોઈ નાનાં છોકરાં માટેની સોશિયલ નેટવર્કિંગ સાઇટ નથી. મોટેરાં ભલે જાત ભાતની નેટવર્કિંગ સાઇટ્સ અને બ્લોગ્સ પર હડિયાપટ્ટી કરીને પોતાના ‘કોન્ટેક્ટ્સ’ અને ‘ફ્રેન્ડ્સ’ની સંખ્યા વધારવાનો રઘવાટ અનુભવે, સૂપટોય્ઝમાં તો બિલકુલ નિજાનંદમાં, જાત સાથે જ રમમાણ થઈને આડુંઅવળું કર્યા કરવાનો મહિમા છે.
અચ્છા, મૂળ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાના કેટલાક અલગારી વિડિયો ગેમર્સ, પ્રોગ્રાામર્સ, આર્ટિસ્ટ્સ, મ્યુઝિશિયન્સ, ડિઝાઇનર્સ, ફિલ્મ મેકર્સ વગેરે વગેરે લોકોએ તેમનામાં રહેલા બાળકને મૂરઝાવા ન દીધું અને એમાંથી સર્જાયાં આ સૂપટોય્ઝ.
તો એનાથી રમવા માટે શું કરવાનું? સાઇટ પર પહોંચવાનું, હોમપેજ પર સૌથી ઉપર જ, ‘ગેટ ફ્રી ટોય બોક્સ’ પર ક્લિક કરીને ટોયબોક્સ ડાઉનલોડ કરવાનું. પછી તેના પર ડબલક્લિક કરીને આ પ્રોગ્રામ તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લેવાનો. પ્રોગ્રામ નેટ એક્સેસ કરવાની મંજૂરી માગે તો આપવાની. પછી તો તમારા ડેસ્કટોપ પર જ એક બોક્સ ખૂલશે જેમાં, ફૂટબોલ, ટેનિસ બોલ, બાસ્કેટ બોલ, રિંગ, બેરિંગના બોલ, મેગ્નેટ, જુદી જુદી કાર, ઢીંગલા, ઢીંગલી વગેરે વગેરે કેટલુંય ભર્યું હશે. જે ઇચ્છો તેને માઉસની મદદથી ડેસ્કટોપ ખેંચી લો અને રમવા માંડો. બોક્સની નીચે આપેલાં બટન્સ પર ક્લિક કરશો એટલે પ્રિસેટ પ્લેસેટ્સ પણ ખૂલશે. એમાં રમકડાં પહેલેથી કંઈક ચોક્કસ ગોઠવણથી ગોઠવેલાં હશે. એમાં કંઈક અટકચાળું કરશો એટલે ફિઝિક્સના નિયમો મુજબ આખી ગોઠવણમાં બધું રમણભમણ થવા લાગશે! હા, અહીં દરેક રમકડું ફિઝિક્સના નિયમોને અનુસરે છે.
અને યાદ રહે, આ બધી વિડિયો કે ઇન્ટરનેટની ગેમ્સ નથી. અહીં કોઈ મશીનગનની ધણધણાટી નથી, અહીં કોઈનો શિકાર કરવાનો નથી કે કોઈથી બચવાનું નથી, કોઈ વિલન નથી, કોઈ ટાર્ગેટ નથી, અહીં તો જીતવાનું કે નંબર વન પણ બનવાનું નથી! અહીં તો ફક્ત મનમાં સૂઝે એ જ કરવાનું છે અને એમાંથી આનંદ લૂંટવાનો છે. ચાહો તો બધું ભાંગીતોડી નાખો અને ચાહો તો બધું નવેસરથી ગોઠવો. ફરીથી સાઇટ પર જઈને તમે બીજાએ બનાવેલા પ્લેસેટ્સ ડાઉનલોડ પણ કરી શકો. કામનો બહુ ભરાવો ન હોય તો છોકરાંની સાથે મોટાં માટે આ સરસ સ્ટ્રેસરીલિવર છે!
મમ્મીઓને આ સાઇટ સૌથી વધુ ગમશે, કેમ કે અહીં છોકરું રમીને ધરાઈને બધું જેમનું તેમ છોડી ઊભું થઈ જાય પછી મમ્મીએ ઝીણી ઝીણી ચીજો વીણી વીણીને ટબમાં ‘ભરો કરવાની’ રહેતી નથી, અહીં તો માઉસનો એક ઇશારો કર્યો અને પ્લેઈંગ રૂમ થઈ ગયો ક્લીન!