જાન્યુઆરી જાય એટલે ઠંડી જાય ને ફેબ્રુઆરી અંત પણ નજીક દેખાય ત્યાં તો ગરમી કાળઝાળ બનવા લાગે. આપણે વાત કરીએ છીએ પરીક્ષાની ગરમીની. મોટા ભાગના પરિવારોમાં એક્ઝામ ફીવર તીવ્ર બનતાં જ પહેલો ભોગ લેવાય ટીવી અને ઇન્ટરનેટનો. હવે છે તો આ બંને બેધારી તલવાર. બધો આધાર આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એના પર જ છે. થેન્ક્સ ટુ ૩ ઇડિયટ્સ, ‘ભણતર બહુ ભારરૂપ બનવું ન જોઈએ’ એવી ફિલોસોફીમાં તમે પણ માનવા લાગ્યા હો અને સંતાનો ઇન્ટરનેટનો સમજપૂર્વકનો ઉપયોગ ચાલુ રાખે એવું ઇચ્છતા હો તો હાજર છે કેટલાક સહેલા ઉપાયો.
- સૌથી સહેલો છતાં સૌથી કારગત રસ્તો છે ઇન્ટરનેટના લાભગેરલાભ વિશે મોકળી ચર્ચાથી સંતાનની સમજ કેળવવાનો અને પછી એના પર વિશ્વાસ મૂકવાનો.
- બીજો એટલો જ સહેલો ઉપાય છે રૂમમાં કમ્પ્યૂટરને એવી રીતે ગોઠવવાનો, કે જેથી રૂમમાં આવતુંજતું કોઈ પણ સહેલાઈથી સ્ક્રીન પર શું ચાલે છે તે જોઈ શકે (ટૂંકમાં, ઓફિસમાં તમે બીજાની નજર ચૂકવીને કમ્પ્યૂટર પર પત્તાં રમો છો એવું ઘરમાં નહીં થવા દેવાનું!).
- ત્રીજો રસ્તો છે સર્ચ એન્જિન પર સેફ સર્ચને ઇનેબલ રાખવાનો. જેમ કે ગૂગલના હોમપેજ પર જશો તો જમણે ખૂણે ઉપર સેટિંગ્સનું ટેબ છે. ત્યાંથી સર્ચ સેટિંગ્સ ગોઠવી શકાય છે. જેમાં સેફ સર્ચ ફિલ્ટરિંગમાં જઈને ‘યુઝ સ્ટ્રીક્ટ ફિલ્ટરિંગ’ પર ટીક કરી દો. જો તમે ગૂગલનું એકાઉન્ટ ધરાવતા હો તો તમે કહી શકો કે ‘ગૂગલજી, સેફસર્ચ કો લોક કિયા જાય!’. પછી એ કમ્પ્યૂટરનો ઉપયોગ કરતી બીજી કોઈ વ્યક્તિ સેફસર્ચને ડિસેબલ કરી શકશે નહીં.
- સેફસર્ચ ઓન છે એની વધુ ખાતરી જોઈએ છે? જો સેફસર્ચ લોક હશે તો ગૂગલના રીઝલ્ટ પેજ પર જમણી બાજુ મોટા રંગબેરંગી બોલ્સ દેખાશે. દૂરથી પણ તમે જોઈ શકશો દીકરો કશુંક ભળતુંસળતું સર્ચ કરી શકતો નથી. પણ યાદ રહે, કમ્પ્યૂટરમાં એકથી વધુ બ્રાઉઝર હોય તો દરેક બ્રાઉઝરમાં જઈને આ લોક કરવું પડશે. આ બાબતમાં દીકરો સવા શેર ન બને તે જ સારું!
- અચ્છા, તમારે હજી થોડી વધુ ટાઇટ સિક્યુરિટી જોઈતી હોય તો (
www.opendns.com) સાઇટની મદદથી ફ્રીમાં આ કામ થઈ શકશે. તેમાં મફતબેઝિક એકાઉન્ટ ખોલાવીને તમે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વિના, ૫૦ જેટ

લી વિવિધ કેટેગરીની સાઇટ્સ બ્લોક કરી શકો છો. પછી તમારું સંતાન ‘ભૂલથી’ કંઈક ખોટું એડ્રેસ લખશે તો પણ એ સાઇટ ખૂલશે નહીં. આ સર્વિસ વિશે ક્યારેક વિગતવાર વાત કરીશું.
- વેબ ઓફ ટ્રસ્ટ (www.mywot.com) પર જઈને તમે એક નાનકડું સોફ્ટવેર મફતમાં ડાઉનલોડ કરી શકો છો. એની મદદથી સર્ચ એન્જિનના રીઝલ્ટ પેજ પર જે તે સાઇટ જોવાયોગ્ય છે કે નહીં એની નિશાની મેળવી શકાશે. અલબત્ત, અહીં, એ સાઇટ ખોલવાનો વિકલ્પ તો ખૂલ્લો જ રહે છે. તમારા એન્ટીવાયર પ્રોગ્રામમાં પણ આ સગવડ હોઈ શકે છે.
આ બધા ઉપાય અજમાવ્યા પછી પણ જીવને ટેન્શન રહે છે? છેલ્લો ઉપાય એક જ છે, કાં તો કમ્પ્યૂટરને ભડાકે દ્યો અથવા જમણો હાથ હૈયે મૂકીને વિશ્વાસથી બોલ્યા કરો કે ‘આલ ઇજ વેલ!’