બનવાકાળ તમે કોઈ દરિયાકિનારે ફરવા ગયા હો કે ટીવીમાં દરિયો દેખાઈ ગયો હોય અને તમારો ટાબરિયો કે નાનકડી દીકરી આવો નાનો સવાલ પૂછીને તમને ફિક્સમાં મૂકી દે.
હજી તમે જવાબ શોધી રહો ત્યાં તો સવાલોની હારમાળા ઊભી થાય...‘‘દરિયો બ્લુ કેમ છે’’, ‘‘દરિયો કેટલો મોટો હોય?’’ ‘‘દરિયો એકદમ છલકાઈને જમીન પર કેમ આવી જતો નથી?’’
હવે જમાનો એવો બદલાઈ રહ્યો છે અને નાનાં ભૂલકાં એવાં સ્માર્ટ બની રહ્યાં છે કે એમને સવાલ પૂછવા માટે સાવ નાનું અમથું કોઈ કૂતુહલ પણ બસ થઈ પડે છે. મોટા ભાગે એમને જે સવાલો થયા હોય તેના જવાબો આપણે પોતે ભણ્યા હોઈએ ત્યારેય સરખા આવડતા ન હોય, ત્યાં મોટા થયા પછી એ સવાલોના ગૂગલીનો મારો કેમ સહન થાય? જવાબ આવડતો હોય તો પણ, એ બાળકને ગળે ઉતરે, બરાબર સમજાય એવી રીતે સમજાવતાં ન આવડે. બાળકની જિજ્ઞાસા યોગ્ય રીતે સંતોષાય નહીં તો તેમની ક્ષિતિજો પૂરતી વિસ્તરે નહીં.
સવાલો ખરેખર બાળકોના મનમાં જ ઊગે એવા છે અને એના જવાબો બને એટલી સરળ ભાષામાં, છતાં પૂરતા વૈજ્ઞાનિક આધારો સાથે આપવામાં આવ્યા છે. |
નાનાં બાળકોના નાના નાના સવાલોને પગલે સર્જાતી આવી મોટી મોટી મથામણો ફક્ત ભારત નહીં, દુનિયાભરનાં મા-બાપને મૂંઝવતી હશે. એ બધાંને હાશકારો થાય એવી એક સાઇટ ધીમે ધીમે સરસ રીતે વિક્સી રહી છે Ñ www.whyzz.com.
ન્યૂયોર્કમાં રહેતા પાંચેક લોકોએ સાથે મળીને 2007માં આ સાઇટ તૈયાર કરી. આ પાંચમાંથી ચાર મહિલા છે - માતા શ્રેષ્ઠ શિક્ષક છે એનું વધુ એક ઉદાહરણ! મિશન હતું કે 4થી 7 વર્ષનાં બાળકોને મૂંઝવતા સવાલોથી મૂંઝાયેલાં માબાપને થાય એટલી મદદ કરવી. આ સાઇટ પર અત્યારે નેચર, એનિમલ્સ, વર્લ્ડ, સાયન્સ, હ્યુમન બોડી, સિરિયસ ઇસ્યુઝ, ક્રિએટિવિટી એન્ડ ઇમેજિનેશન વગેરે કેટેગરી અને તેની પેટા કેટેગરીમાં સંખ્યાબંધ સવાલોના જવાબો આપવામાં આવ્યા છે.

સવાલો ખરેખર બાળકોના મનમાં જ ઊગે એવા છે અને એના જવાબો બને એટલી સરળ ભાષામાં, છતાં પૂરતા વૈજ્ઞાનિક આધારો સાથે આપવામાં આવ્યા છે. મોટા ભાગના સવાલોના અંતે એ સવાલને અનુરૂપ બીજા સવાલો અને જાતે કરી શકાય એવા પ્રયોગોની ટીપ પણ આપી છે. જેમ કે, ‘‘દરિયો ખારો કેમ?’’ એવા સવાલના અંતે દરિયાનું ખારું પાણી લાવી એના બાષ્પીભવન પછી મીઠું બનાવવાની રીત પણ આપી છે.
તો હવે તમારું ભૂલકું ‘નાનાં છોકરાં આટલું બધું રડે કેમ છે?’’ એવો સવાલ કરીને તમને રડાવે તો ભળતોસળતો જવાબ આપીને છટકવાની કોશિશ ન કરતા. આ સાઇટ પર એનો પણ સરસ જવાબ આપેલો છે. શોધીને કહેજો.
| Comments |
|






