ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસાયબરસફરબ્લોગર બેઝિક્સઇન્ટરનેટ પર ક...ખ...ગ..

ઇન્ટરનેટ પર ક...ખ...ગ..

ઇન્ટરનેટ પર ગુજરાતી ક્યાં અને કેટલે છે? જો ગૂગલ જેવાં સર્ચ એન્જિન અને યુનિકોડ આપણી મદદે ન હોય તો ઇન્ટરનેટ પર ગુજરાતીને શોધવાનું કામ ખરેખર ઘાસની ગંજીના આખા ગોદામમાંથી ઝીણી સોય શોધવા જેવું કપરું અને લગભગ અશક્ય બને.

આ ઉપલા વાક્યમાં ત્રણ કીવર્ડ છે - ઇન્ટરનેટ, ગુજરાતી અને યુનિકોડ. આમાંથી પહેલા બે શબ્દોમાં જો તમને રસ હોય તો આ લેખ તમારે કામનો છે અને બીજો શબ્દ - ગુજરાતી - જો તમને એકદમ વ્હાલો હોય, તો તો તમારે યુનિકોડ શબ્દને પણ કમ સે કમ, સમજવો તો પડે જ.

પણ, યુનિકોડ વિશે વધુ જાણતાં પહેલાં, આપણા મૂળ સવાલ પર પરત આવીએ - ઇન્ટરનેટ પર ગુજરાતી ક્યાં છે? જવાબ મેળવવા, આ લખનારે ત્રણેક વર્ષ પહેલાં ગૂગલ પર પહેલાં યુનિકોડ ફોન્ટની મદદથી કરેલો એક નાનકડો પ્રયોગ ફરી કરીએ.

ફરી યુનિકોડ શબ્દ પર અટક્યા? તો હવે પહેલાં એની જ વાત કરી લઈએ. `સાયબરસફર'ના વાચકો આમ તો હવે યુનિકોડથી પરિચિત છે, પણ નવા વાચકો માટે ફરી થોડી સમજ કેળવી લઈએ - યુનિકોડ એક પ્રકારના ફોન્ટ છે (અને મફત છે!). આપણા દેશમાં સ્થાનિક ભાષામાં કમ્પ્યૂટિંગ માટે શ્રીલિપિ, ઇન્ડિકા, ભાષાભારતી, આકતિ, સી-ડેક વગેરેના સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ્સ ઉપરાંત, બીજા અનેક ફોન્ટનો ઉપયોગ થાય છે. આમાંના કોઈ પ્રોગ્રામ કે ફોન્ટ એકબીજા સાથે કમ્પેટિબલ નહીં. મતલબ કે અંગ્રેજીમાં એરિયલ ફોન્ટમાં લખેલું લખાણ ટાઇમ્સ ન્યૂ રોમન ફોન્ટમાં સહેલાઈથી ફેરવી શકાય, ગુજરાતીમાં એવું ન થાય. થાય માત્ર ગૂંચવાડો. ઇન્ટરનેટને તો વળી આમાંના કોઈ પ્રોગ્રામ સાથે સીધી ઓળખાણ નહીં. એટલે જ તો સ્થાનિક ભાષામાં વેબસાઇટનો ફેલાવો બહુ ઓછો રહ્યો છે.

આમાં ધરમૂળથી પરિવર્તન લાવે છે યુનિકોડ. એ શું છે? યુનિકોડથી સ્થાનિક ભાષામાં કમ્પ્યૂટિંગ ગજબનું સહેલું થઈ ગયું છે, નામ પ્રમાણે એ યુનિફોર્મ, બધે ચાલે ને નેટ પર તો દોડે એવા ફોન્ટ છે. ઇન્ટરનેટ પર ગૂગલ જેવા સર્ચ એન્જિનમાં પ્રાદેશિક ભાષામાં માત્ર યુનિકોડની મદદથી સર્ચ કરી શકાય છે. વેબસાઈટ કોઈ પણ ફોન્ટની મદદથી બનાવી શકાય, પણ એને સર્ચ કરવા માટે સાઈટ યુનિકોડમાં હોય તો જ વાત જામે. એટલે જ, હવે વિશ્વસ્તરે, પ્રાદેશિક ભાષાઓમાં યુનિકોડમાં જ સાઇટ તૈયાર કરવાનો ટ્રેન્ડ છે (`દિવ્ય ભાસ્કર', ‘સંદેશ’, ‘ઇકોનોમિક ટાઇમ્સ ગુજરાતી’ વગેરેની પ્રિન્ટ એડિશન જુદા જુદા ફોન્ટમાં તૈયાર થાય છે, પણ એમની સાઈટ યુનિકોડમાં છે!).

તો આપણે વાત કરતા હતા, ઇન્ટરનેટ પર ગુજરાતી શોધવા માટે ત્રણેક વર્ષ પહેલાં કરેલા પ્રયોગની. ત્યારે ગૂગલમાં હિન્દીભાષામાં યુનિકોડની મદદથી `ભારત' લખી સર્ચ કર્યું તો ૦.૧૨ સેકન્ડમાં અઢી લાખ વેબપેજનું લિસ્ટ હાજર થયું હતું. પછી અંગ્રેજીમાં `ગુજરાત' લખીને સર્ચ કર્યું તો ૦.૧૦ સેકન્ડમાં ૨૧ લાખ વેબપેજનું લિસ્ટ મળ્યું હતું. અને યુનિકોડથી ગુજરાતીમાં `ગુજરાત' લખીને સર્ચ કર્યું તો ગણીને ૩૧૫ વેબપેજ મળ્યાં હતાં.

આજે શું સ્થિતિ છે? યુનિકોડથી, હિન્દીમાં `ભારત' સર્ચ કરતાં ૦.૨૬ સેકન્ડમાં ૪૧ લાખ વેબપેજનું લિસ્ટ મળે છે. અંગ્રેજીમાં `ગુજરાત' સર્ચ કરતાં ૦.૦૮ સેકન્ડમાં ૧.૩૭ કરોડ વેબપેજનું લિસ્ટ મળે છે. અને ગુજરાતીમાં ગુજરાત’ સર્ચ કરતાં કરતાં? હૈયું સાબૂત રાખજો - ૦.૨ સેકન્ડમાં ૧.૮૫ લાખ વેબપેજનું લિસ્ટ મળે છે.

ક્યા બાત હૈ - સોરી, શું વાત છે! ત્રણ વર્ષ પહેલાં જ્યાં ૩૧૫ પાનાં મળ્યાં હતાં, એ જ શબ્દ સાથેનાં હવે ૧.૮૫ લાખ પાનાં મળે છે. ટૂંક સાર એટલો કે વાત પ્રોત્સાહક છે. હૈયું થોડું હરખાય એવી છે. ઇન્ટરનેટ પર ગુજરાતી ડાયરો જામી રહ્યો છે!

ગૂગલ પછી હવે બીજો પ્રયોગ કરીએ વિકિપીડિયા પર. આપણા મોટા ભાગના વાચકો વિકિપીડિયાને પણ જાણે જ છે, છતાં નવા વાચકોના લાભાર્થે - ઇન્ટરનેટ પર વિકિપીડિયા નામનો એક નિ:શુલ્ક મહાવિશ્વજ્ઞાનકોષ છે, જેમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષામાં માહિતીપ્રદ લેખ લખીને યોગદાન આપી શકે છે. ત્રણેક વર્ષ પહેલાં તેમાં ૧૦૦થી વધુ ભાષામાં ૧૮ લાખથી વધુ લેખ પર કામ ચાલી રહ્યું હતું. તેમાંથી સાતેક લાખ લેખ અંગ્રેજીમાં હતા. હિન્દી, મરાઠી, તમિલ અને તેલુગુ ભાષામાં તેમાં ૧,૦૦૦થી વધુ લેખ હતા. સંસ્કૃતમાં પણ ૬૦૨ લેખ હતા અને ગુજરાતીમાં? ના, બિલકુલ નહોતા એવું નહોતું, ૧૪૯ લેખ તો હતા!

અને આજે? અંગ્રેજીને તો ભૂલી જ જઈએ, હિન્દીમાં ૨૦,૦૦૦થી વધુ, મરાઠીમાં ૧૮,૦૦૦ જેટલા, તમિલમાં ૧૪,૦૦૦ જેટલા અને તેલુગુમાં ૪૦,૦૦૦ જેટલા લેખ છે. સંસ્કતમાં ૩,૮૫૦ અને ગુજરાતીમાં ૧,૭૧૧ લેખ છે.

નિરાશ થયા? ચાલો કંઈક ગમે એવી વાત કરીએ. ત્રણેક વર્ષ પહેલાં ગુજરાતીમાં બ્લોગની સંખ્યા ખરેખર આંગળીના વેઢે ગણી શકાય એટલી હતી. હવે આ સંખ્યા, ગુજરાતી વાર્તાની રાજકુમારીની જેમ, દિવસે ન વધે એટલી રાતે વધી રહી છે.

આટલે સુધીમાં આંકડાઓનો ઘણો મારો થયો છે, એટલે ભારતમાં ઇન્ટરનેટનો પગપેસારો કેટલો થયો છે અને કેટલો ઝડપથી વધી રહ્યો છે એ જણાવતા આંકડાઓની પળોજણમાં નહીં પડીએ. ફક્ત એટલું જાણી લો કે એક સમયે ડોટ.કોમનો બબલ ફૂટ્યા પછી મોટા ભાગે દુનિયાએ ઇન્ટરનેટના નામનું નાહી નાખ્યું હતું એમાં આજે ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. મોટી મોટી કંપનીઓને ઇન્ટરનેટની તાકાતમાં વિશ્વાસ બેઠો છે. ભારતમાં, ખાસ કરીને યુવાવર્ગમાં એનો ઉપયોગ ખાસ્સો વધ્યો છે અને એટલે જ હવે ધરખમ એડવર્ટાઇઝિંગ એજન્સીઝ ખાસ ઇન્ટરનેટ પરની જાહેરાત માટે અલગ સેકશન્સ ઊભાં કરી રહી છે.

માહિતીના પ્રસાર માટે આ એક અત્યંત સગવડીયું અને સસ્તું માધ્યમ હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ ગામડે ગામડે કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ પહોંચાડવાની વેતરણમાં ગળાડૂબ થઈ ગઈ છે. ખેડૂતો ઇન્ટરનેટ પર ઘઉં કે જીરાના ભાવ જાણીને, સારો ભાગ લાગે તો જ બાજુના શહેરના માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા લઈ જાય એવા દિવસો પણ હવે ભારતમાં આવી પહોંચ્યા છે. મતબલ કે ઇન્ટરનેટ ઇઝ ઇન થિંગ.

હવે સવાલ એ છે કે વિશ્વની આજ અને આવતીકાલ જેના પર નિર્ભર છે તે ઈન્ટરનેટ પર આપણી ભાષા અને આપણે ક્યાં છીએ ? આપણે ગુજરાતીઓ વિશ્વપ્રવાસી મહાજાતિ હોવાનું ગૌરવ લઈએ છીએ, વિશ્વમાં ગુજરાતી ભાષા જાણતા લોકોની વસતિ છએક કરોડ હોવાનો અંદાજ છે અને સમગ્ર વિશ્વમાં સંવાદ માટેનું સૌથી સગવડીયું સાધન ઈન્ટરનેટ છે. આમ છતાં, ઈન્ટરનેટ પર ઝાઝું વપરાતી ભાષાઓમાં ગુજરાતીનું નામ ક્યાંય દેખાતું નથી.

કેમ? થોડા ઊંડા ઊતરીએ.

ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ

ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષા કેટલીક વિસ્તરી છે એ જાણતાં પહેલાં થોડી વાત બીજી ભાષાઓની કરી લઈએ. દુનિયાની લગભગ ૨૧ ટકા વસતિ સુધી ઈન્ટરનેટ પહોંચી ગયું છે અને તેનો સૌથી વધુ ઉપયોગ અંગ્રેજીમાં થાય છે. બીજા ક્રમે ચાઇનીઝ અને પછી સ્પેનિશ, જાપાનીઝ, ફ્રેન્ચ વગેરે ભાષાઓનો ક્રમ આવે છે. ભારતની કુલ વસતિ ધરખમ છે, પણ સાથે ભાષાનું અપાર વૈવિધ્ય છે એટલે પણ કદાચ ટોપ લેંગ્વેજીસની યાદીમાં હિન્દી ક્યાંય જોવા મળતી નથી.

હવે ભાષાવિજ્ઞાનની રીતે જોઈએ તો, આપણું, માનવ જાતિનું ભાષાવિજ્ઞાન અત્યારે ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે. પહેલો તબક્કો, જેમાં બોલાતી ભાષા વિકસી. બીજા તબક્કામાં ભાષા લખાવાનું અને પ્રિન્ટ થવાનું શરૂ થયું અને ત્રીજા તબક્કામાં ભાષાએ ડિજિટલ સ્વરૂપ લીધું. એ પછી તો ભાષાને કોઈ અંતરાય, કોઈ બંધન કે કોઈ સીમાડા રહ્યા નથી. નથી તેને સમયનું બંધન રહ્યું. કમ્પ્યૂટરની શોધ થઈ અને ઈન્ટરનેટનો ઉદભવ થયો એ સાથે વિશ્વની મોટા ભાગની ભાષાના વિદ્વાનોએ પોતાની ભાષાને ડિજિટલ સ્વરૂપ આપી, નવી ટેકનોલોજીનો બને તેટલો લાભ લણી લેવાની મથામણ આદરી.

ભારતીય ભાષાઓમાં પણ આ પ્રયાસો શરૂ થયા. મોટા ભાગે બને છે તેમ આ બાબતમાં પણ દક્ષિણનાં રાજ્યો આગળ રહ્યાં. ત્યાંની યુનિવર્સિટીઓમાં આ બાબતે મોટા પાયે સંશોધનો શરૂ થયાં. સ્થાનિક ભાષાઓમાં કમ્પ્યૂટરનો ઉપયોગ શક્ય બનાવે તેવાં સોફ્ટવેર વિક્સાવવામાં આવ્યાં. બીજી ભાષાઓ સાથે સાથે ગુજરાતીને પણ લાભ મળ્યો અને ગુજરાતી ભાષાનાં સોફ્ટવેર વિકસ્યાં. પરિણામે કમ્પ્યૂટર પર ગુજરાતીનો વપરાશ સરળ બન્યો અને ગુજરાતીમાં પણ વેબસાઈટ બનવા લાગી.

દરમિયાન, જેમ અંગ્રેજી ભાષામાં મેટર કમ્પોઝ કરવા માટે ફક્ત એક જ પ્રકારનું કી-બોર્ડ વપરાય છે તેવું સ્થાનિક ભાષાઓમાં બન્યું નહીં. જુદાં જુદાં ઘણે ઠેકાણે પ્રયાસો થયા હોવાથી જુદાં જુદાં સોફ્ટવેર અને કી-બોર્ડનો વપરાશ શરૂ થયો અને ખાટલે મોટી ખોડ એ રહી કે આ જુદાં જુદાં સોફ્ટવેર વચ્ચે કોઈ સાંધામેળ નહોતો. મતલબ કે એક સોફ્ટવેર વાપરીને લખાયેલું લખાણ મોટા ભાગે બીજું સોફ્ટવેર `વાંચી' કે `સમજી' શકતું નથી. હવે તો આ દિશામાં પણ ઘણી પ્રગતિ સધાઈ છે અને `યુનિકોડ'નો ઉપયોગ વધી રહ્યો છે. શરૂઆતમાં જણાવ્યું તેમ યુનિકોડ પ્રાદેશિક ભાષાઓ માટે એવું વરદાન છે, જે ઈન્ટરનેટ પર પ્રાદેશિક ભાષાના ઉપયોગ આડેના ઘણાખરા અંતરાય દૂર કરે છે.

ઈન્ટરનેટ પર ગુજરાતી ડાયરો

ઇન્ટરનેટનો વધતો વ્યાપ જોઈને ઘણા ઈન્ટરનેટસાહસિકોએ પ્રારંભિક ઉત્સાહમાં આવીને, બધી મુશ્કેલીઓનો હલ શોધીને પણ ગુજરાતીમાં વેબસાઈટ્સ બનાવી હતી. એટલે તો કેમછો.કોમ, મણીબેન.કોમ, અસ્મિતા.કોમ વગેરે જેવી ગુજરાતની વાત ગુજરાતી ભાષામાં માંડતી વેબસાઈટ્સ ફૂટી નીકળી. `ફૂટી નીકળી' શબ્દપ્રયોગ બરાબર જ કેમ કે લગભગ ૧૯૯૯-૨૦૦૦ના એ સમયગાળામાં, એ સમયે જાણીતા બનેલા `ડોટ.કોમ બબલ' શબ્દ અનુસાર, ઘણી વેબસાઈટ અને આઈટી વેન્ચરના પરપોટા ફૂટી નીકળ્યા હતા. રીડિફ.કોમ જેવા પ્રમાણમાં મજબૂત પોર્ટલના પ્રાયોજકો પણ પ્રાદેશિક ભાષા તરફ આકર્ષાયા હતા.

રીડિફે પહેલાં હિન્દી, તમિળ અને તેલુગુમાં પોર્ટલ લોન્ચ કર્યાં અને પછી ૨૦૦૦માં ગુજરાતી પોર્ટલ પણ લોન્ચ કર્યું. ઈન્ફોઈન્ડિયા.કોમ પણ ગુજરાતીમાં પોર્ટલ શરૂ કરે તેવી શક્યતાઓ ઊભી થઈ હતી. એ સમયે તો જેમ અખબારોને સેટેલાઈટ ચેનલોએ મજબૂત હરીફાઈ પૂરી પાડી તેમ ઈન્ટરનેટ પોર્ટલ સેટેલાઈટ ચેનલનાં હરીફ બને તેવી હવા ઊભી થઈ હતી. પરંતુ એ બધાં અંતે પરપોટા જ સાબિત થયાં. ઈન્ફોઈન્ડિયા.કોમે ગુજરાતી સાહસ શરૂ કરવાનું જ માંડી વાળ્યું. રીડીફ.કોમે ધીમેકથી અંગ્રેજી સિવાય બીજી બધી ભાષાના વાવટા સંકેલી લીધા. સ્થાનિક ભાષાની આવી તો કંઇક વેબસાઇટ્સના પાળિયા નેટ પર ખોડાઈ ગયા.

 સાવ આવું કેમ થયું ? રીડીફ.કોમના ગુજરાતી પોર્ટલ સાથે ત્રણેક વર્ષ સંકળાયેલા જાણીતા પત્રકાર દિલીપ ગોહિલ સ્પષ્ટ કારણ આપે છે, ``એ સમયે ઈન્ટરનેટના વપરાશ અને કમાણીના જે અંદાજ બાંધવામાં આવ્યા હતા તે વધુ પડતા હતા. હકીકતમાં એટલો ઝડપી વધારો થયો નહીં. ત્યારે ઈન્ટરનેટ ઘણું મોંઘું પણ હતું. બીજું, મોટા ભાગે વેબસાઈટ બનાવનારા લોકો આ મીડિયમને સમજી જ શક્યા નથી. સ્થાનિક સ્તરે પણ ઈન્ટરનેટની ઉપયોગિતા છે, એ સમજવાને બદલે માત્ર વિદેશના ગુજરાતીઓ માટેનું ધ્યાન ખેંચવાના પ્રયાસો થયા. રીડિફના કેસમાં, એ એક ઓર્ગેનાઈઝ્ડ એફર્ટ હોવા છતાં આખરે તો વિદેશમાં જ તેની રીડરશીપ ઊભી થઈ, જેના જોર પર અહીં આવક ઊભી થઈ શકે તેમ નહોતી.''

 ગુજરાત સરકારનાં જુદાં જુદાં ખાતાં અને વિભાગો માટે ગુજરાતી વેબસાઈટ બનાવવાનો બહોળો અનુભવ ધરાવતી સાયબરસર્ફ નામની એક કંપનીના ડિરેક્ટર સમીરભાઈ સંઘવી કહે છે, ``મોટા ભાગની ગુજરાતી વેબસાઈટ બિઝનેસ સ્ટ્રેટેજીના બદલે ઉત્સાહના આવેશમાં શરૂ કરાયેલાં સાહસ હતાં. ડિમાન્ડ ન હોય, માત્ર આઈડિયા હોય અને વેબસાઈટ બનાવી દેવામાં આવે તો પરિણામ આવું જ આવે.'' જ્યારે અંગ્રેજી વેબસાઈટને પણ ખર્ચ સરભર કરવાનાં સાસાં હતાં ત્યાં પ્રાદેશિક ભાષાની વેબસાઈટના તો કેવા હાલ હોય?

 એ સમયમાં, અમદાવાદના પત્રકાર હરસુખભાઈ થાનકીની દીકરી પ્રતિક્ષાએ ગુજરાતી ઘરોમાં ઇન્ટરનેટ જ્યારે સાવ નવો શબ્દ હતો ત્યારે પહેલાં `જનસત્તા' અને પછી કલકત્તાથી પ્રકાશિત `હલચલ' સાપ્તાહિકમાં `વેબ એટ હોમ' નામે કૉલમ લખવાની (અને તંત્રીઓએ છાપવાની!) હામ ભીડી હતી. એમ, બીજા એક પત્રકાર દિલીપ ભટ્ટે પણ `સંદેશ' અને સુરતના `ધબકાર'માં આ પ્રકારની કૉલમ ચલાવી. ૨૦૦૩માં બંનેનાં પુસ્તકો પણ આવ્યાં. આ બધા પ્રયાસોથી ગુજરાતીઓનો ઇન્ટરનેટ સાથેનો પરિચય વધ્યો, પણ નેટ પર ગુજરાતીનો વ્યાપ હજી ઠેરનો ઠેર હતો.

ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઈટ્સમાં ડોકિયું

આ આખી કહાણીમાં એક રસપ્રદ ટ્વીસ્ટ લાવ્યા દેશ-વિદેશના ગુજરાતી બ્લોગર્સ. જેમણે કમાણીના બદલે નિજાનંદ માટે ઈન્ટરનેટને માધ્યમ બનાવ્યું તેઓ લાંબું ખેંચી ગયા. જેમ કે ફિલાડેલ્ફિયામાં રહેતા કિશોર રાવળ નામના એક સાહિત્યરસિકે છેક ૧૯૯૯માં કેસૂડાં.કોમ શરૂ કરી હતી, એ હજી સુધી ગુજરાતી સાહિત્ય પીરસતી રહી છે. ૨૦૦૪-૦૫ના અરસામાં `ફોર એસવી - પ્રભાતનાં પુષ્પો' નામે, ગુજરાતી સાહિત્યના એક શોખીને ગમતાં ગુજરાતી ગીતો અને કવિતાઓને પોતાના બ્લોગમાં મૂકવાની હોબી કેળવી. પછી તો ધીમે ધીમે ગુજરાતી બ્લોગની સંખ્યા વધવા લાગી. વડોદરામાં રહેતા મૃગેશ શાહે રીડગુજરાતી.કોમ નામે એક માસિક વેબમેગેઝિન શરૂ કર્યું. પ્રોફિટના ધ્યેય વિના, સમાજ માટે કંઈક ઉપયોગી, સારું વાંચન આપવાના આશયથી શરૂ કરવામાં આવેલા એ વેબમેગેઝિને સારી એવી લોકપ્રિયતા મેળવી અને અનેકને બ્લોગિંગની પ્રેરણા પણ આપી.

 યુનિકોડના ઉપયોગથી શરૂ થયેલા આ બ્લોગ્સે ધીમે ધીમે યુનિકોડને પણ લોકપ્રિય બનાવ્યા. મજાની વાત એ હતી કે શરૂઆતમાં, લેખન કે ટેક્નોલોજી બંનેમાંથી લગભગ કોઈ વાતનું બેકગ્રાઉન્ડ ન ધરાવતા લોકોએ બ્લોગિંગને લોકપ્રિય બનાવવામાં સિંહફાળો આપ્યો. કવિતાપ્રેમીઓને તો બ્લોગિંગનો કેફ થઈ પડ્યો. સુરતના ડૉ. વિવેક ટેલરે સ્વરચિત કાવ્યોનો પહેલો બ્લોગ બનાવ્યો અને દર શનિવારે નવી કતિ મૂકવાનો ક્રમ રાખ્યો. અમેરિકાસ્થિત એમના ડૉક્ટર મિત્ર, અને સમાન કવિતાપ્રેમી ધવલ શાહના સાથમાં બંનેએ `લયસ્તરો' નામે બ્લોગ બનાવ્યો, જેમાં આજે ૪૫૦થી વધુ કવિઓની ૧૧૫૦ જેટલી રચનાઓ માઉસની ક્લિકે માણી શકાય છે. ડૉ. વિવેક ટેલર કહે છે, ``ગુજરાતી ભાષા પુસ્તકોના સીમાડા વળોટીને હવે સાચા અર્થમાં ગ્લૉબલ બની રહી છે. ઈન્ટરનેટ અને યુનિકોડ ફૉન્ટના સથવારે છેલ્લા ત્રણ વર્ષમાં ઢગલાબંધ બ્લૉગ અને અવનવા દિમાગોની સીડીના પગથિયે ચડીને આજે ગુજરાતી ભાષા નવા આકાશને આંબી રહી છે, કહો કે નવું સરનામું પામી રહી છે.''

 જોકે ગુજરાતી બ્લોગ્સ સામે એક મોટી ફરિયાદ એ જ છે કે મોટા ભાગના બ્લોગ્સ કવિતા વિષયક છે. તમને મનગમતી કવિતાના બે-ચાર શબ્દો લખતાં આખી કવિતા વાંચવા મળી જાય એવા ચાન્સ હવે બહુ ઉજળા છે. એમ, એ કવિતા સાંભળવા અને માણવા મળે એવી શક્યતા પણ ખરી. ચાન્સ પણ ખરા. કેમ કે લોસ એન્જલસનાં જયશ્રી ભક્તે અનેક જાણી-અજાણી ગુજરાતી રચનાઓને ઇન્ટરનેટ પર વહેતી મૂકી છે. એમની જેમ મૂળ અમદાવાદ અને લંડનમાં સ્થાયી થયેલા નીરજ શાહે પણ ૮૦થી વધુ કવિઓ અને ૧૩૦ જેટલા ગાયકો-સંગીતકતારોનાં ૩૦૦થી વધુ ગીતોનો રણકાર ઇન્ટરનેટ પર ગૂંજતો કર્યો છે. આ બધું જ વિનામૂલ્યે અને ગુજરાતી ભાષાના પ્રેમને કારણે.

 ન્યૂ જર્સીનાં મોના નાયકે ર્મિસાગરના નામે, કોઈ એક શબ્દ અપાય અને લોકો એના પર આખી કવિતા લખે એવો સહિયારાસર્જનનો પ્રયોગ આદર્યો. અમદાવાદમાં એન્જિનીયર તરીકે નિવૃત્ત થયા પછી અમેરિકા ગયેલા સુરેશભાઈ જાનીએ હરીશ દવે, અમિત પિસવાડિયા, જયશ્રી ભક્ત, મોના નાયક વગેરેના સાથમાં બ્લોગમાં કવિતા ઉપરાંતની નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો અને ગુજરાતી સારસ્વતો અને વ્યક્તિવિશેષોની જીવનઝાંખી બ્લોગ પર મૂકવાની શરૂઆત કરી. દાહોદનાં રાજેશ્વરીબહેન શુક્લે શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા પછી નેટ પર બાળકોનો કલરવ ગૂંજતો કર્યો છે. તો આણંદ પાસેના બાકરોલના જયંત પટેલે ગુજરાતી પુસ્તકાલય નેટ પર લઈ જવાનો પ્રયાસ કર્યો. આમ દુનિયાભરના અનેક ખૂણેથી ઇન્ટરનેટ પર ગુજરાતી ખેડાણ શરૂ થયું છે. જૂનાગઢના રાજીવ ગોહેલે ઑસ્ટ્રેલિયામાં રિસર્ચ કરતાં કરતાં પણ બ્લોગથી કવિતા અને માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખ્યો છે. આવાં તો અનેક ઉદાહરણ છે.

 બ્લોગ શરૂ કરનારા મોટા ભાગના લોકોને હવે એનું વ્યસન થઈ પડ્યું છે. સુરેશભાઈ જાની કહે છે, `` મેં બ્લોગ શરૂ કર્યો ત્યારે તો મને એમ કે, એ કોણ વાંચશે? પણ એક જ અઠવાડિયામાં ૧૦૦ ઉપરાંત મુલાકાતીઓ અને એમાંના ૯૦ ટકા તો સાવ અજાણ્યા! બસ, ત્યારથી આ વ્યસન થઈ ગયું છે.'' અમદાવાદના હરસુખભાઈ થાનકી પોતે પત્રકાર અને તેમાં બ્લોગર દીકરીનું પ્રોત્સાન મળ્યું! હવે હરસુખભાઈ કહે છે કે તેમને જોઈને બીજા એક-બે મિત્રો પણ બ્લોગર બની ગયા છે. આ આનંદ કંઇક અનેરો જ છે! ડૉ. ધવલ શાહનો મત પણ માણવા જેવો છે, ``બ્લોગજગત જેવી અદભૂત મહેફિલ બીજે ક્યાં જોવા મળવાની! બ્લોગને લીધે એટલા બધા નવા મિત્રો મળ્યા છે જે બીજી કોઈ રીતે મળી શકત નહીં. સંસ્કૃતમાં સુભાષિત છે કે સરખા મનવાળો એક મિત્ર મળવો પણ ઈશ્વરની મહેરબાની છે, જ્યારે અહીં તો આખી ફોજ મળી ગઈ!''

ઇન્ટરનેટ પર ગુજરાતી માટે વિવિધ પહેલ

ઇન્ટરનેટ પર ગુજરાતીના પ્રસારની સૌથી મજાની વાત એ છે કે અહ મોટા ભાગે, ગુજરાતી ભાષાની સેવા અને પરસ્પરને મદદરૂપ થવાનો અભિગમ સૌથી આગળ છે. ગુજરાતીઓએ માત્ર બ્લોગર બનીને સંતોષ માનવાને બદલે, નેટ પર પોતાની ભાષાના પ્રસાર માટે વિવિધ પહેલ પણ કરી જાણી છે.

લંડનસ્થિત ઉદ્યોગપતિ રતિલાલ ચંદરિયાએ આખા ગુજરાતી શબ્દકોષને ડિજિટલ અને ક્લિક પર અવેલેબલ બનાવીને ગુજરાતી ભાષામાં જાણે એક નવો જ અધ્યાય શરૂ કર્યો. એમના ચંદરિયા ફાઉન્ડેશને ગુજરાતી સ્પેલચેકરની પણ ભેટ આપી. મુંબઈમાં ગુજરાતી કમ્પ્યૂટર ટેક્નોલોજી માટે કાર્યરત ઉત્કર્ષે આ બધામાં યોગદાન આપ્યું. ઉદ્યોગપતિ રતિભાઈ, શિક્ષક ઉત્તમભાઈ ગજ્જર અને ઇજનેર બળવંતભાઈ પટેલની વયોવૃદ્ધ ત્રિપુટીએ વાંચનક્ષમ ગુજરાતી રચનાઓની પીડીએફ ફાઇલ બનાવીને `સન્ડે ઇ-મહેફિલ' રૂપે દર રવિવારે ઇમેઇલ દ્વારા વહેતી મૂકવાની એક સરસ પહેલ કરી. એમણે ટેક્નોલોજીને ઉંમરનો કોઇ બાધ નડતો નથી એ સાબિત કરી દીધું.

ડૉ. ધવલ શાહે, કમ્પ્યૂટરમાં યુનિકોડ એક્ટિવેટ કરવાની વિધિ એકદમ સરળ રીતે, સ્ક્રીનશોટ્સ સાથે સમજાવીને અનેક નવા બ્લોગર માટે માર્ગ મોકળો કરી દીધો. તો અમેરિકાસ્થિત વિશાલ મોણપરાએ અંગ્રેજીમાં ટાઈપ કરતાં ગુજરાતી લખાણ મળે એવું અફલાતૂન, ઓનલાઇન ટાઇપપૅડ તૈયાર કરી આપ્યું. વિશાલે અન્ય ફોન્ટના લખાણને યુનિકોડમાં કન્વર્ટ કરવાની સુવિધા પણ આપીને પાયાનું કામ કર્યું. વિશાલે ગુજરાતી અખબારો ફોન્ટ ડાઉનલોડ કર્યા વિના યુનિકોડમાં વાંચી શકાય એવી પણ સુવિધા આપી.

મોના નાયકે બધા ગુજરાતી બ્લોગની લિંક ધરાવતી એક યાદી બનાવી, તો પૂણેસ્થિત વિનય ખત્રીએ `ફનએન્ડગ્યાન' નામે અને દુબઇસ્થિત નિલેશ વ્યાસે `કાકાસાબ' નામે ટૂલબાર બનાવીને લગભગ તમામ ગુજરાતી બ્લોગનું સરસ વર્ગીકરણ કરીને નેટ પર ગુજરાતી વાંચનને બિલકુલ માઉસવગું કરી દીધું. નિલેશભાઈએ ગુજરાતી બ્લોગ્સના બધા તાજા લેખ એક સાથે એક સ્થળે વાંચી શકાય એવા એગ્રીગેટરની `નિપ્રા' નામે ભેટ આપી. એમની જેમ અમદાવાદના પંકજ બેંગાણી અને એમના સાથીદારોએ પણ `તોરણ' નામે બ્લોગ એગ્રીગેટર આપ્યું (તેમણે હિન્દી `ચીઠ્ઠાજગત' (એટલે કે બ્લોગજગત)માં પણ સારું એવું પ્રદાન કર્યું છે). આ ટીમે શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગના એવોર્ડની પહેલ પણ કરી. વડોદરામાં જન્મેલા ચિરાગ પટેલે કમ્પ્યૂટરના અઘરા વિષયને સરળ ગુજરાતીમાં સમજાવવાની શરૂઆત કરી. પાલનપુરમાં જન્મેલા કાર્તિક મિસ્ત્રી બ્લોગર તો છે જ, પણ એમણે તો વળી જોરદાર બ્રાઉઝર ફાયરફોક્સનું ગુજરાતી વર્ઝન તૈયાર કરવામાં સિંહફાળો આપ્યો! એમની જેમ જ, રેડ હેટ ઇન્ડિયા માટે પૂણેમાં કાર્યરત અંકિત પટેલે પણ ફાયરફોક્સના લોકલાઇઝેશન માટે કામ કર્યું.

આ બધાની મહેનત હવે રંગ લાવી રહી છે. નેટ પરનું ગુજરાતી હવે બ્લોગ પૂરતું સીમિત રહ્યું નથી. `દિવ્ય ભાસ્કર', `સંદેશ', `બિઝનેસ સ્ટાન્ડર્ડ-ગુજરાતી' વગેરેની વેબસાઇટ પણ હવે યુનિકોડમાં હોવાથી ઇન્ટરનેટ પર ગુજરાતી વાચકવર્ગ વિસ્તરી રહ્યો છે (કાર્તિક મિસ્ત્રી ભારપૂર્વક કહે છે કે ``સમાચારપત્રો ઇ.સ. પૂર્વેની નોન-યુનિકોડ ટેકનોલોજી છોડીને યુનિકોડ ફોન્ટ અપનાવે તે તો ખાસ અગત્યનું છે''). યાહૂએ ગુજરાતી પોર્ટલ શરૂ કર્યું છે તેમ, વેબદુનિયાની ગુજરાતી આવૃતિ પણ છે. ગુજરાત સરકારની મોટા ભાગની નવી સાઇટ્સ હવે યુનિકોડમાં તૈયાર થઈ રહી છે (ગૃહવિભાગની ૭૧ જેટલી પેટાસાઇટ્સ યુનિકોડમાં જ છે). આ બધું જોતાં નેટ પર ગુજરાતીનો પ્રસાર હજી વધશે એવી ધરપત ચોક્કસ રાખી શકાય.

 આમ છતાં...

જોકે આ ધરપત માત્ર ગુજરાતીના પ્રમાણ પૂરતી છે. વિષય વૈવિધ્ય અને ગુણવત્તા બંનેનો મોટો સવાલ હજી ઊભો જ છે.

મોટા ભાગના બ્લોગર્સ પણ સ્વીકારે છે કે આ તો હજી પાશેરામાં પહેલી પૂણી છે. સુરેશભાઈ જાની કહે છે, ``ગુજરાતી બ્લોગિંગના વિષયો બહુ જ સીમિત છે. વિકિપીડિયા સ્તરનું કામ ગુજરાતીમાં બહુ જ ઓછું થયું છે. કવિતા તો ૮૦ ટકા બ્લોગ પર પથરાયેલી છે! અનેક વિષયો પર ખેડાણ થવું હજી બાકી છે.'' ડૉ. ધવલ શાહ કહે છે કે ``ગુજરાતીમાં કોમ્પ્યુટરના ઉપયોગ માટેનાં `બેઝિક' સાધનો - વર્ડ પ્રોસેસર, કી-બોર્ડસ, ઓ.સી.આર, સ્પેલચેકર અને થોડા `રેફરન્સ સોર્સિસ' જેવા કે શબ્દકોષ, થેસરસ, એનસાઈક્લોપેડિયા વગેરે જેટલાં જલદી વધુ ઉપલબ્ધ થશે એટલો ગુજરાતી ભાષાને વધારે અને વધારે વેગ મળશે. કમ્પ્યૂટર પર ગુજરાતીનો પ્રયોગ આજે જે `શોખ' કે `નવાઈ'ની વાત લાગે છે એ આવતીકાલ માટેની તૈયારી છે. ગુજરાતી વેબની પાંખે ઉડશે એ દિવસે એ ખરા અર્થમાં વિશ્વ-ગુર્જરી બનશે.''

તમે શું કહો છો?

-------------------------------------

    આ લેખમાં એવા ઘણા બ્લોગ કે સર્વિસનો ઉલ્લેખ છે જેની મુલાકાત લેવાની આપને ઇચ્છા થશે. ઇન્ટરનેટ પર એમને શોધી કાઢવાનો સૌથી સહેલો રસ્તો છે સર્ચિંગ. સવાલ એ થાય કે ગુજરાતીમાં સર્ચ કેવી રીતે કરશો? એનો સહેલો રસ્તો આપ્યો છે અમેરિકાસ્થિત વિશાલ મોણપરાએ. વિશાલે એવું ગુજરાતી ટાઇપપૅડ તૈયાર કર્યું છે, જેમાં તમે અંગ્રેજીમાં gujarata લખો એટલે ગુજરાતીમાં `ગુજરાત' વાંચવા મળે! નેટ પર જ, એ ટાઇપપેડમાં ગુજરાતી લખો, કોપી કરો અને ગૂગલના સર્ચબોક્સમાં પેસ્ટ કરી સર્ચ કરો! આ ટાઇપપૅડની લિંક છે : http://service.vishalon.net/pramukhtypepad.htm

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Vijay Shah  - ગુજરાતી ગદ્યનો પણ ઘણો વિકાસ થઇ રહ્યો છે     |2011-08-24 09:19:44
આ માહિતી જ્યારે હું લખી રહ્યો છુ તે ઓગષ્ટ્ની ૨૪ ૨૦૧૧માં લખું છું.મારા મતે ગદ્ય સંકલન નું શ્રેષ્ઠ કામ રીડ ગુજરાતીનાં મૃગેશભાઇ કરે છે www.readgujarati.com
મને ખ્યાલ છે એમ છેલ્લ દસ વર્ષથી www.zazi.com ઉપર ચિરાગ ઝાઝી આ કામ તેમના વિવિધ પેજ ઉપર કરે છે
મારા ધ્યાનમાં જયંતી પટેલ ની સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય
www.pustakalay.com,
કેપ્ટન નરેન્દ્ર ની જીપ્સી ડાયરી http://captnarendra.blogspot.com/, તથા ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
http://krishnkantunadkat.blogspot.com/પણ ગદ્યનાં ઉત્તમ વાંચન સાધનો છે

હ્યુસ્ટન ખાતે અમે કેટલા ગદ્ય સર્જકો ગદ્ય સહિયારું સર્જન છેલ્લા ત્રણેક વર્ષથી કરીયે છે જે www.gadyasarjan.wordpress.com
અત્યાર સુધી મા લગભગ ૬ લઘુ નવલકથાઓનો સંગ્રહ "સહિયારા સર્જન" નામે બહાર પડ્યો છે અને ત્રણ સહિયારા સર્જન ની નવલકથાઓ બહાર પડી છે . તદુપરાંત છથી વધુ નવલકથાઓ પ્રસિધ્ધિ માટે સ્પોન્સરર ની રાહ જુએ છે
અશોક વૈષ્ણવ  - તમે આપેલ માહિતિ માટે આભાર   |2011-08-24 23:18:26
શ્રી વિજયભાઇ,
આ રીતે ગુજરાતી nonfiction ગદ્ય બાબતે ઇન્ટરનેટ પર થઇ રહેલ કાર્યની માહિતિ પણ મળશે તો ખુબજ આનંદ થશે.
અશોક વૈષ્ણવ  - વૈવિધ્યસભર ગદ્યની ગુજરાતી ઇન્ટરનેટ પર ખેંચ શા માટે   |2011-08-24 03:42:39
'સાયબરસફર'નો દિવ્યભાસ્કર્મં તો હું નિયમિત વાંચક હતો જ, પરંતુ આજે મુલ બ્લોગની પણ સફર કરવાનું નક્કી કર્યું હતું.

વિવિધ વિષયો પર ગુજરાતી ગદ્યનો ઇન્ટરનેટ પર વ્યાપ કેટલો છે અને તે અંગે લિન્ક્સ શોધવાનો મારો આશય હતો.પરંતુ આ લેખમાં આવાં સાહિત્યની ઇન્ટરનેટપર ખેંચ છે તેવી નોંધ વાંચીને માત્ર એટલા પુરતી નવાઇ જરુર લાગી કે જો લેખમાં જણાવેલ બધીજ અગવડો છતાં ગુજરાતી પદ્યનું ઇન્ટરનેટ પર આટલો વિકાસ થઇ શક્યો હોય તો આ અગવડો એ ગુજરાતી ગદ્યના ઇન્ટરનેટ પરના સિમિત વ્યાપ માટે મહદઅંશે કારણભુત ન હોવું જોઇએ.
તો શું આ પ્રકારનાં સાહિત્યમાં રસ હોય તેવા ગુજરાતીઓને ઇન્ટરનેટનો અભ્યાસ નથી કે તેઓને ઇન્ટરનેટનું માધ્યમ આકર્ષક નથી જણાતું?
આ વિષયપરનીવૈવિધ્યસભર અન્ય બ્લોગ્સની મદદથી ઇન્ટરનેટપર વ્યાપક ચર્ચા કદાચ દિશાસુચનમાં ઉપયોગી થઈ તો શકે તેમજ અત્યારસુધી ઇન્ટરનેટ બાબતે અલિપ્ત રહેલ લેખકોને આકર્ષી પણ શકે.
Naynesh Vora     |2011-06-05 06:46:26
AAje cybersafar par safar kari. I liked the attempt and hope that it will continue in the future..
Vasoya Raj  - Internet ma Gujarati Language     |2011-05-27 23:18:37
internet par Gujarati Bhasa vise aatali mahiti male chhe te jani ne maja aavi gai
haresh  - GOOD     |2011-05-24 04:50:29
Really Really GOOD website for GUJARATI PEOPLE like me
vijay shah     |2011-05-21 08:53:55
હિમાંશુભાઇ
વિશાલ મોણપરા સાથે રહી છેલ્લા દસ વર્ષમાં ગુજરાતી સાહિત્ય સરિતામા ઘણા સફળ પ્રયોગો કર્યા જેની અત્રે તમારી જાણકારી માટે નોંધ મુકુ છુ
૧.
આ એક એવું વેબ પેજ છે જેની અંદર હ્યુસ્ટન નાં ઘણા સર્જકો પોતાની વેબ પેજ ચલાવે છે અને સંવર્ધનની દિશામાં પોતાનુ યોગ દાન આપે છે

શેર અંતાક્ષરીનો સફળ પ્રયોગ કર્યો હતો

ગુજરાતી શબ્દ સ્પર્ધા નો સોફ્ટ્વેર તૈયાર કરી જનસમાજ માટે મુક્ત વાપરવા મુક્યુ છે

ભગવદ્ગોમંડળ્માંથી શબ્દ સ્પર્ધા માટે ઓછા જાણીતા અને કથીન શબ્દોનુ સંકલન મુક્યુ છે.
Ajay Patel  - Free Calls for India.     |2011-05-21 06:41:19
Free calling through VOIP (VOICE OVER INTERNET PROTOCOL)

www.nzvoiz.com
Free call to India landline, US, Canada, UK, China Landline, etc.

Just download Dialer and start free calling.

24 Hrs. Support

email :- info@nzvoiz.com
vijay chauhan artist folk sing   |2012-07-28 04:31:57
aap ne shubheschha...haju pan laabh aapsho tevi abhilasha

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."