સ્કૂલ હોય કે કૉલેજ - આપણી શિક્ષણ વ્યવસ્થાનો કદાચ સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો એ છે કે એ એક્સાઇટિંગ, લાઇવલી નથી. બધું બહુ બંધિયાર છે. નવું જોવાનો, નવું જાણવાનો, નવું સમજવાનો રોમાંચ એમાં છે જ નહીં અથવા બહુ ઓછો છે. નો પ્રોબ્લેમ, હવે આપણી પાસે ઇન્ટરનેટ નામની જાદૂઈ છડી છે એ બીજા શું કામની છે? અવનવી ને નીતનવી માહિતીનો ભરપૂર ભંડાર પડ્યો છે એમાં.
સવાલ ફક્ત એટલો કે ગૂગલિંગ કરી કરીને કેટલુંક કરવું? નવું જાણવા માટે, નવું સર્ચ કરવા માટે પણ કોઈ શબ્દ મનમાં ઉગવો તો જોઈએને? સાયન્સની જ વાત કરીએ તો ઇન્ટરનેટ પર સાયન્સને લગતી માહિતીના કેટકેટલાય સ્રોત છે. એ સાથે, સાયન્સને નામે બિલકુલ નકામી, ભળતીસળતી માહિતીની ફેકંફેકી કરતી સાઇટ્સનો કચરો પણ ખરો. એમાંથી મોતી વીણવાં કેમ?
આનો ઉપાય આપે છે ઇસાયન્સન્યૂઝ.કોમ. ઇન્ટરનેટ પર સાયન્સને લગતી જેટલી પણ ધરખમ અને વિશ્વસનીય સાઇટ્સ છે એ બધી પર કંઇ પણ નવી માહિતી આવે એ આપણી આ ઇસાયન્સન્યૂઝ.કોમ સાઇટ પર આવી જાય છે. બધું જ એક સાથે, અલગ અલગ વિષય મુજબ ગોઠવાઈને, સહેલાઈથી તારવી અને વાંચી શકાય એ રીતે, બીજા સંબંધિત લેખોની યાદી અને લિંક સાથે. આ સાઈટ પર એસ્ટ્રોનોમી, બાયોલોજી, ક્લાઈમેટ, હેલ્થ, મેથ, ફિઝિક્સ, સાયકોલોજી વગેરેને લગતા માહિતીપ્રદ લેખ વાંચી શકાય છે.
સાયન્સ એટ નાસા, નાસા જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી, બીબીસી ન્યૂઝ: સાયન્સ એન્ડ નેચર, હાર્વર્ડ સાયન્સ, ન્યૂયોર્ક ટાઇમ્સ સાયન્સ, યુરોપીયન સ્પેસ એજન્સી, ન્યૂઝ એટ નેચર, સાયન્સ નાઉ, એમઆઈટી રિસર્ચ અને નેશનલ જ્યોગ્રાફિક જેવા વિજ્ઞાનની બાબતમાં આખરી શબ્દ ગણાય એવા સ્રોત પર પોપ્યુલર સાયન્સને લગતી જે કંઈ નવી વાત મુકાય તે સૂંઘીને ઇસાયન્સન્યૂઝ.કોમ તાણી લાવે છે, અને આપણી સમક્ષ મુકી દે છે.
સૌથી મજાની વાત છે કે ઇસાયન્સન્યૂઝ.કોમ પર કોઈ હ્યુમન એડિટર છે જ નહીં. જે કંઈ થાય છે તે બધું જ ફૂલ્લી ઓટોમેટેડ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી થાય છે. મતલબ કે અહીં જે તે વેબસાઇટ પરથી લખાણ ઉઠાવીને સીધું એક જગ્યાએ ભેગું કરવાનું વૈતરું નથી, પણ મગજ પૂરેપૂરું દોડાવીને, જે તે માહિતીનો પ્રકાર, વિષય, સમયોચિતતા (શબ્દ અઘરો પડ્યો? સોરી! ટાઈમલીનેસ), ઉપયોગીતા વગેરે બરાબર સમજીને પછી જ આપણી સામે મુકવામાં આવે છે, ફેર ફક્ત એટલો કે અહીં આ બધી જ ‘મગજમારી' કમ્પ્યૂટરના પ્રોગ્રામ કરે છે. વધુ મજાની વાત એ છે કે આ આખું માળખું ફક્ત એક વ્યક્તિએ ઊભું કરેલું છે, પ્રોગ્રામર્સની મોટી ફોજ એ માટે કામે લાગી નથી.
સ્કૂલના વિદ્યાર્થીઓને આ સાઇટના લેખ બમ્પર જ જશે, પણ ગ્રેજ્યુએશન કે પીજી કરતા વિદ્યાર્થીઓ, મેડિકલ સ્ટુડન્ટ્સ કે ભણી-ગણી, પરવારીને કામધંધે લાગી ગયા છતાં સાચા અર્થમાં વિદ્યાર્થી રહેલા ડૉક્ટર્સ અને અન્ય લોકો માટે આ સાઇટ ખરેખર ઉપયોગી છે.
વાતમાં રસ પડ્યો હોય, તો પહોંચો ઇસાયન્સન્યૂઝ.કોમ પર!